Site icon Revoi.in

જમ્મૂ એરફોર્સ સ્ટેશન હુમલામાં થયો ખુલાસો: MI-17 હેલિકોપ્ટર અને ATC નિશાને હતા

Social Share

નવી દિલ્હી: જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી થયેલા બ્લાસ્ટ મામલે NIAએ એક લીડ મળી છે. NIAએ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ બંને શંકાસ્પદ લોકોને જમ્મૂના બેલીચારના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. બંને પર આતંકી જૂથોને મદદ કરવાનો આરોપ છે અને હાલ તેઓની પૂછપરછ ચાલી રહી છે. આ બંને શંકાસ્પદ લોકોની પાસેથી મહત્વની જાણકારી મળી શકે છે.

આ મામલે તપાસમાં મહત્વની જાણકારી એ પણ આવી છે કે આ હુમાલાના બે ખાસ ટાર્ગેટ હતા. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ અને MI-17 હેલિકોપ્ટર આ ડ્રોન હુમલાના ટાર્ગેટ હતા. એટલે કે હુમલામાં ડ્રોને પોતાના બે ટાર્ગેટને મિસ કરી દીધા હતા.

જાણકારી અનુસાર, એક ડ્રોનમાં 5 કિલો TNT વિસ્ફોટકો હતો. જ્યારે બીજા ડ્રોનમાં એનાથી ઓછા વજનવાળા વિસ્ફોટકો હતો. આપને જણાવી દઇએ કે પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી ભારત વિરુદ્વ ડ્રોનનો ઉપયોગ કરીને ભારતમાં હથિયારોની પણ ઘૂસણખોરી કરી રહ્યું છે.

આ દરમિયાન હુમલામાં ઈજાગ્રસ્ત જવાનો સાથે એર ચીફ માર્શલ એર.કે.એસ. ભદોરિયાએ ફોન પર વાતચીત કરી છે. એર ચીફ માર્શલ હાલ બાંગ્લાદેશમાં છે. આ ડ્રોન હુમલામાં બે જવાનને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તો ઈન્ડિયન એરફોર્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બંને જવાનની દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેઓની તબિયત સારી છે.

જે જગ્યાએ આ બ્લાસ્ટ થયો એ એરફોર્સ સ્ટેશનનો ટેકનિકલ એરિયા હતો. આ માત્ર એ વિસ્તાર નથી કે જ્યાં એર ટ્રાફિક કંટ્રોલ થાય છે પણ સાથો સાથ MI-17 હેલિકોપ્ટર અને બીજા અન્ય ઉપકરણો પણ છે. જેનાથી એર સર્વેલન્સ પણ કરવામાં આવે છે.

રવિવાર સવારથી જ એન.આઈ.એ., જમ્મુ પોલીસ અને સ્પેશિયલ ફોર્સીસના જવાનો આ ઘટનાક્રમની તપાસ કરી રહ્યાં છે. એન.આઈ.એ.એ આ જ એરફોર્સ સ્ટેશનની નજીકમાં આવેલાં બેલીચારના વિસ્તારમાંથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે.