- એક મહિલા વકીલની પિટિશન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની ટિપ્પણી
- ભારતના ન્યાયતંત્રમાં કોઇ મહિલા ન્યાયાધીશ બને તે સમય આવી ગયો છે
- મહિલા ન્યાયાધીશનું નિમણૂંક પર સુપ્રીમ કોર્ટ તરફથી કોઇ ભેદભાવ થતો નથી
નવી દિલ્હી: એક મહિલા વકીલની પિટિશન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ ટિપ્પણી કરી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, હવે એ સમય આવી ગયો છે જ્યારે કોઇ મહિલા પણ ભારતની ચીફ જસ્ટિસ બને. આ માટે સુપ્રીમ કોર્ટ તરફથી કોઇ ભેદભાવ થતો નથી.
તાજેતરમાં એક મહિલા વકીલે પિટિશન કરીને હાઇકોર્ટમાં જજ તરીકે મહિલાઓની ભાગીદારી વધે તે માટે માંગ કરી હતી. આ માંગ બાદ ચીફ જસ્ટિસે આ સૂચન કર્યું હતું. આ મહિલા વકીલનો અભિપ્રાય હતો કે, ન્યાયપાલિકામાં મહિલાઓનું પ્રમાણ માત્ર 11 ટકા છે. જે બહું ઓછું કહી શકાય. સુપ્રીમ કોર્ટના છેલ્લા 71 વર્ષના કાર્યકાળમાં નિમાયેલા 247 જજોમાં માત્ર 8 જ મહિલા જજ હતા.
હાલમાં પણ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ઇન્દિરા બેનરજી એક માત્ર મહિલા જજ છે. પહેલા મહિલા જજ ફાતિમા બીબી હતા. જે વર્ષ 1987માં નિમાયા હતા.
મહિલા વકીલનુ એમ પણ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પ્રેકિટસ કરતા મહિલા વકીલોમાંથી જ કોઈની જજ તરીકે પસંદગી કરવી જોઈએ.
ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ સૂચન કર્યુ હતું કે, હું જ્યારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ હતો ત્યારે મે બહુ પ્રયાસ કર્યો હતો પરંતુ જે મહિલા વકીલનો અમે સંપર્ક કરતા હતા તે કહેતા કે બાળકોની તેમજ ઘરની જવાબદારી અમારા પર છે. આ રીતે મહિલા જજની નિમણૂંકમાં ઘણી મુશ્કેલીઓ છે. પરંતુ હવે ભારતમાં મુખ્ય ન્યાયાધીશ કોઇ મહિલા બને તે સમય આવી ચૂક્યો છે.
(સંકેત)