Site icon Revoi.in

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા 101 કરોડ દીવડાંનું ઘેર ઘેર વિતરણ કરાશે

Social Share

રાજકોટ : પ્રકાશનું પર્વ ગણતા દીપાવલીના પર્વએ ઘેર-ઘેર દીવાઓ પ્રજ્વલિત કરાતા હોય છે. ત્યારે આ દિવાળીને લોકો કામધેનુ દીપાવલી તરીકે ઊજવણી કરશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા દેશભરમાં ગાયનાં છાણમાંથી બનેલ 101 કરોડ દીવાઓથી ઝગમગાવવાનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલા દીવાઓ લાખો પરિવારોને આપવામાં આવશે. એટલું જ નહિ, અનેક પરિવારોને રોજગારી આપી આત્મનિર્ભર ભારત અભિયાન અને  વડાપ્રધાનનાં વોકલ ફોર લોકલના  સૂત્રને પણ સાર્થક કરવામાં આવશે.

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ અયોગ દ્વારા છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે લોકો ઘરે ઘરે ગાયના છાણમાંથી બનેલ દીવા પ્રજ્વલિત કરે તેવું આયોજન કર્યું છે. અયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું કે, દિવાળીનાં તહેવારમાં ગાયનાં છાણનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેશના અલગ-અલગ રાજ્યોના ગૌસંવર્ધન આયોગ, સ્વયંસેવી સંગઠનો, મંદિરો-આશ્રમ, મઠ અને ગૌશાળાઓ, સ્વયં સેવી સંસ્થાઓ અને મહિલા કો-ઓપરેટિવ સોસાયટીનો સંપર્ક કરવામાં આવ્યો છે. ગાયના છાણમાંથી બનેલા  દીવાઓના આ પ્રોજેક્ટને ગોમય દીપક કામધેનુ દિવાળી નામ આપવામાં આવ્યું છે. જેમાં ગાયના છાણમાંથી દીપક, લાભ-શુભ, લક્ષ્મી-ગણેશ મુર્તીઓ અને ઝાલર-બેનરો પણ બનાવવામાં આવ્યા છે. ગત વર્ષે 33 કરોડ દીવડાઓ બનાવ્યા હતા અને આ વખતે 101 કરોડ ગાયનાં છાણમાંથી દીવડાઓ બનાવીને ઉજવણી કરવામાં આવશે.

કામધેનુ આયોગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કામધેનુ અયોગ  ગાયમાં છાણમાંથી દીવાઓ બનાવીને લાખો પરિવાર સુધી પહોંચાડશે. આશરે 35 થી 40 કરોડ લોકોને આ દીવા આપવામાં આવશે. એટલું જ નહીં આ કાર્યમાં અનેક મહિલાઓ, સોસાયટીઓના લોકોને જોડી અને તેઓ જાતે ઘરે ગાયના છાણમાંથી દીવા બનાવી વેચી શકે તેની પ્રેક્ટિસ પણ વીડિયો કોન્ફરન્સથી આપવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત અભિયાનની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વોકલ ફોર લોકલનાં સૂત્રથી રોજગારી પુરી પાડવામાં આવશે. ડો. વલ્લભ કથિરીયાએ કહ્યું કે, ગાયનાં છાણમાંથી દીવા બનાવવાથી ગૌપાલકો અને ગૌ શાળાઓને ફાયદો થશે. એટલું જ નહિં ચાઇનાનાં દીવાની સામે ગાયનાં છાણમાંથી બનેલા દીવાઓ ટક્કર આપશે. લોકો આ વખતે વોકલ ફોર લોકલનાં નારા સાથે ગાયનાં છાણમાંથી બનાવેલા દીવાનો ઉપયોગ કરીને આપણી સંસ્કૃતિ મુજબ ગાયનાં છાણનો દિવાળીનાં શુભ અવસર પર ઘરમાં દીવાનાં સ્વરૂપે ઉપયોગ કરી શકે છે.  મથુરામાં પણ આ વર્ષે દિવાળી પર ગાયના છાણના દીવાઓ પ્રગટાવી દિવાળી ઉજવાશે. આ કાર્યથી એક તરફ લોકોને કામ મળશે તો બીજી તરફ પશુપાલકો પણ આત્મનિર્ભર બનશે.