Site icon Revoi.in

કાશ્મીરના લોકો હવે શાંતિ સ્થપાય તેની આશા સેવી રહ્યાં છે: CDS જનરલ બિપીન રાવત

Social Share

નવી દિલ્હી: સીમા પરના યુદ્વ વિરામને લઇને જનરલ બિપીન રાવતે નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, સીમા પર હજુ યુદ્વ વિરામ ચાલુ છે. જે એક સકારાત્મક સંકેત છે. જો કે, ડ્રોનનો ઉપયોગ કરીને હથિયારો અને દારુગોળાની ઘૂષણખોરી કરવામાં આવી છે. જે શાંતિ ડહોળવાનો પ્રયાસ છે. જો આંતરિક શાંતિ પ્રક્રિયા ડહોળાય તો ખરેખરમાં એ ના કહી શકાય કે યુદ્વ વિરામ હજુ સુધી યથાવત્ છે. યુદ્વ વિરામનો અર્થ એ નથી કે સીમા પર સંઘર્ષ વિરામ કરવામાં આવે અને આંતરિક વિસ્તારોમાં ઘૂસણખોરી યથાવત્ રહે. અમે સમગ્ર જમ્મૂ-કાશ્મીરમાં શાંતિમય વાતાવરણ ઇચ્છીએ છીએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખુદ જમ્મૂ કાશ્મીરના લોકો શાંતિ ઇચ્છે છે. તેઓએ છેલ્લા કેટલાક વર્ષથી ખૂબ જ આતંકવાદી ઘટનાઓ અને ઉગ્રવાદની ઘટનાઓ જોઇ છે. લોકો હવે શાંતિ સ્થપાય તેવી આશા સેવી રહ્યાં છે. ખાસ કરીને આર્ટિકલ-370 રદ્દ થવાને કારણે તેમની આશાઓ વધી ગઇ છે.

કેટલાંક યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. મને લાગે છે કે, આપણે તેઓની ઓળખ કરીને એ જોવાની જરૂર છે કે આપણે તેઓ સાથે કેટલી સારી રીતે વાતચીત કરી શકીએ છીએ અને તેઓને સમજાવી શકીએ છીએ કે આતંકવાદ એ ભવિષ્યનો રસ્તો નથી, પરંતુ શાંતિ જ આગળનો રસ્તો છે.

જો ત્રણેય સેનાઓ એકીકૃત થઇને સંયુક્તતા અને પરિવર્તનનો પ્રયાસ કરે તો મને લાગે છે કે આપણે હાલની સેવાઓને વધુ સારી કાર્યક્ષમતા અને તેના ઉપયોગને વધારે સારી રીતે સુનિશ્વિત કરી શકીશું.