- લખમીપુર હિંસા મામલે સુપ્રીમમાં થઇ સુનાવણી
- સુપ્રીમ કોર્ટે આ મામલે યોગી સરકારની ઝાટકણી કાઢી
- યોગી સરકાર તપાસમાંથી પીછેહઠ કરી રહી છે
નવી દિલ્હી: આજે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપીની યોગી સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે યોગી સરકારને આકરી ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, તે તપાસમાંથી પીછેહઠ કરી રહી છે.
આજે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર ખીરી હિંસા મામલે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આકરી ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે યોગી સરકારની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર તપાસમાંથી પાછળ હટી રહી છે.
આ મામલે ભારતના ચીફ જસ્ટિસ એન વી રમ્મના, જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ હિમા કોહલીની ખંડપીઠે એવું અવલોકન કર્યું હતું કે, આ કેસમાં અત્યારસુધીમાં માત્ર ચાર સાક્ષીના નિવેદનો નોંધાયા છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન યુપી સરકારને ફટકાર લગાવવાની સાથોસાથ વકીલોની પણ ઝાટકણી કાઢવાની સાથોસાથ આગામી સપ્તાહ સુધીમાં તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ જારી કર્યો હતો. આ દરમિયાન વકીલ હરીશ સાલ્વેએ એવું કહ્યું હતું કે, અમે સીલ કવરમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. જો કે CJIએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સ્ટેટસ રિપોર્ટ એક દિવસ પહેલા દાખલ થવાનો હતો, અમે સીલકવરમાં ફાઇલિંગ માટે નહોતું કહ્યું.
સાક્ષીઓના નિવેદન અંગે પૂછવામાં આવતા વકીલ સાલ્વેએ કહ્યું હતું કે, દશેરાની રજાઓને કારણે અદાલતો બંધ હોવાથી સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા નથી, પરંતુ ખંડપીઠે વળતો પ્રત્યુત્તર આપ્યો હતો કે, ફોજદારી અદાલતો રજાઓ દરમિયાન બંધ ન હતી. તમારે કલમ 164 હેઠળ નિવેદન નોંધવા માટે પગલાં લેવા પડશે.
ઉત્તરપ્રદેશ સરકારના વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટને સુનાવણી શુક્રવાર સુધી લંબાવવા વિનંતી કરી હતી પરંતુ CJIએ આ માંગને નકારી કાઢી હતી. કેસને શુક્રવાર સુધી મુલતવી રાખવા માટે ના પાડી હતી.