- ઉત્તર પ્રદેશના લખીમપુરમાં હિંસાનો મામલો
- મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયા સહાય અપાશે
- તે ઉપરાંત સરકારી નોકરી પણ અપાશે
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અન ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના સમર્થકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા ત્યારે હવે માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. સાથે મૃતકના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે અને મામલાની આઠ દિવસની અંદર તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરાશે. બે રાઉન્ડની બેઠક બાદ પ્રશાસન અને ખેડૂતો વચ્ચે સહમતી સધાઇ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, એડીજી લો એન્ડ ઑર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે, સરકાર તરફથી 45-45 લાખ રૂપિયા સહાય અને કિસાન વીમાથી 5-5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે પરિવારના એક સભ્યને તેની યોગ્યતા પ્રમાણે નોકરી આપવામાં આવશે. આ સિવાય ઇજાગ્રસ્તોને 10-10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. તે ઉપરાંત સમગ્ર મામલાની ન્યાયિક તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ પાસે કરાવાશે.
જીલ્લામાં કલમ 144ના કારણે કોઇપણ નેતાને પ્રવેશ નહીં અપાય. કિસાન યૂનિયનના સભ્યો અને કિસાન નેતાઓના આવવા પર કોઇ પ્રતિબંધ નથી.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ સમગ્ર ઘટનાને ષડયંત્ર ગણાવી હતી. એ વાત સામે આવી છે કે જે એક વ્યક્તિ મર્યો છે તે બહરાઇચના નાનાપરાનો રહેવાસી છે જે સમાજવાદી પાર્ટીની રૂદ્રપુર યુનિટનો જીલ્લાધ્યક્ષ છે. આ ઘટનામાં આવા ઘણા લોકો સામેલ છે. મામલામાં FIR નોંધીને તપાસ થવી જોઇએ.