ચારધામ યાત્રા 2021માં અત્યારસુધી રેકોર્ડબ્રેક 4 લાખ શ્રદ્વાળુઓએ કર્યા દર્શન, હજુ પણ ઘસારો ચાલુ
- ચારધામ યાત્રામાં યાત્રાળુઓનો રેકોર્ડ તૂટ્યો
- અત્યારસુધીમાં 4 લાખ યાત્રાળુઓએ કર્યા દર્શન
- ચારધામ યાત્રા અત્યારે કડકડતી ઠંડીમાં ચાલી રહી છે
નવી દિલ્હી: આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા મોડી શરૂ થઇ હતી. જો કે અહીંયા જે રસપ્રદ વાત જોવા મળી છે એ એ છે કે આ વર્ષે યાત્રાળુઓની રેકોર્ડબ્રેક સંખ્યા જોવા મળી રહી છે. અત્યારસુધીમાં 4 લાખ યાત્રાળુઓએ ચારધામ યાત્રાનો લાભ લીધો છે. જ્યારે 2 લાખ, 10 હજારથી પણ વધુ શ્રદ્વાળુઓ કેદારનાથ પહોંચ્યા છે. આ વર્ષે 6 નવેમ્બરના રોજ દરવાજા બંધ થાય તે પહેલા અહીંયા આવનારા યાત્રાળુઓની સંખ્યા 3 લાખને પાર કરે તેવી સંભાવના છે.
ચારધામ યાત્રા અત્યારે કડકડતી ઠંડીમાં ચાલી રહી છે. કેદારનાથ, બદ્રીનાથ સહિતના તીર્થસ્થળો પર કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ બંને ધામોમાં હિમવર્ષાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે. અહીંયા તાપમાનનો પારો પણ સતત ગગડી રહ્યો છે.
દેવસ્થાનમ બોર્ડ અનુસાર, ચાર ધામ યાત્રા શરૂ થયાના 42 દિવસ બાદ કુલ 3,95,905 શ્રદ્વાળુઓ પહોંચ્યા છે. જેમાં 2 લાખ યાત્રાળુઓ કેદારનાથ પહોંચ્યા છે. બદ્રીનાથ ધામ પહોંચેલા ભક્તોની સંખ્યા 1,13, 909 રહી છે. જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી પર 31,000થી વધુ શ્રદ્વાળુઓ દર્શનાર્થે પહોંચ્યા છે.
નોંધનીય છે કે, કેદારનાથ ધામમાં એવું માનવામાં આવે છે કે, ભૈરવનાથ મંદિરના પણ દર્શન કરવામાં આવે ત્યારે જ અહીંયાત્રા પૂર્ણ થાય છે. ભૈરવનાથને કોટવાલ અથવા કેદારનાથનો દ્વારપાળ પણ કહેવામાં આવે છે. ધાર્મિક વિધિઓ અનુસાર તે કેદારનાથ ધામની રક્ષા કરે છે.