દિવંગત CDS બિપિન રાવતના ભાઇ વિજય રાવતે ભાજપનો ખેસ કર્યો ધારણ, પીએમ મોદીની કરી સરાહના
- દિવંગત CDS બિપિન રાવતના નાના ભાઇ વિજય રાવત ભાજપમાં જોડાયા
- ભાજપમાં જોડાયા બાદ પીએમ મોદીના બ્રોડ વિઝનના વખાણ કર્યા
- ભાજપ તેમને ઉત્તરાખંડથી ચૂંટણી લડાવે તેવી શક્યતા
નવી દિલ્હી: ગત વર્ષે તામિલનાડુના કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નાના ભાઇ રિટાયર્ડ કર્નલ વિજય રાવતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ભાજપમાં સામેલ થનારા રિટાયર્ડ કર્નલ વિજય રાવત દિવંગત સીડીએસ બિપિન રાવતના નાના ભાઇ છે. ભાજપ તેમને ઉત્તરાખંડમાંથી ચૂંટણી લડાવે તેવી સંભાવના છે. અગાઉ વિજય રાવત અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી વચ્ચે મુલાકાત થઇ હતી. આ બાદ વિજય રાવતે કહ્યું હતું કે તેમની વિચારધારા ભાજપ સાથે મળે છે અને પાર્ટી કહેશે ત્યાંથી ચૂંટણી લડશે.
ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ રાવતે કહ્યું કે, તેઓ પીએમ મોદીના ભવિષ્યવાદી વિઝનના વખાણ કરે છે. ભાજપમાં સામેલ થવાની મને જે તક આપવામાં આવી છે તે બદલ હું ઋણી છું.મારા પિતા પણ નિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયા હતા અને હવે મને તક સાંપડી છે.
તેમણે પીએમ મોદીની વિસ્તૃત દૂરંદેશીની સરાહના કરી હતી. પીએણ મોદીની વિચારસરણી વધારે વાસ્તવવાદી અને ભવિષ્યવાદી છે અને તેમના આ વિઝનને કારણે મને ભાજપમાં સામેલ થવાની તક મળી છે. પીએમ મોદી અલગ હટીને વિચારનાર વ્યક્તિ છે.
ભાજપે તેમને ટિકિટ આપવાના સંકેતો આપી દીધા છે અને તેઓ ખુદ પણ બોલ્યા છે કે તેઓ પાર્ટી કહે ત્યાંથી ચૂંટણી લડવા માટે તૈયાર છે.