- મહારાષ્ટ્રમાં કોરોનાની વરવી સ્થિતિ
- ઉદ્વવ ઠાકરેએ લોકડાઉનની આપી ચેતવણી
- જો સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો લોકડાઉન લગાવવુ પડશે: ઉદ્વવ ઠાકરે
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર ચિંતિત છે. મહારાષ્ટ્રમાં સતત વધતા કેસને પગલે મહારાષ્ટ્રના સીએમ ઉદ્વવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, જો સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરાશે. હું લોકડાઉનની જાહેરાત નથી કરી રહ્યો, પરંતુ સંપૂર્ણ લોકડાઉનની ચેતવણી આપી રહ્યો છું. આગામી 1-2 દિવસમાં નિષ્ણાંતો સાથે ચર્ચા વિચારણા કરાશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે લોકડાઉન લાદવામાં આવશે કે નહીં, તે અંગે હું કઇ નહીં બોલું. જો કે, જે સ્થિતિ હાલના સમયમાં છે, તેવી જો આગળ પણ રહેશે તો સંભાળવું મુશ્કેલ થઇ જશે. અમે આરટી-પીસીઆર ટેસ્ટ વધુમાં વધુ કરવા ઇચ્છીએ છીએ. અમે ગુણવત્તા અને પારદર્શકતા સાથે કોઇ સમજૂતી કરવા ઇચ્છતા નથી.
તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની સ્થિતિ ડરામણી છે, પરંતુ અમે સાચું જ જણાવીશું. મહારાષ્ટ્રમાં લગ્નોમાં વધુ ભીડ થઈ રહી છે. એવામાં મહામારી એક પ્રકારે અમારી પરીક્ષા લઈ રહી છે. બધાએ માસ્ક પહેરવું અને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ.’
ઠાકરેએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના મહામારી સામે આપણે બધાએ એકજૂથ થઇને લડવું પડશે. લોકડાઉન લગાવવાથી રાજ્યની આર્થિક સ્થિતિ ફરી ખરાબ થશે. એવામાં કોરોનાની માર્ગદર્શિકાનું કડકાઇથી પાલન જ સૌથી મોટી સતર્કતા કહી શકાય.
(સંકેત)