- મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યા બાદ લેવાયો નિર્ણય
- મધ્યપ્રદેશ સરકારે રતલામ, બેતુલ, છિંદવાડા અને ખરગોનમાં લોકડાઉન લાગૂ કર્યું
- છિંદવાડામાં વહીવટીતંત્રે 88 કલાક માટે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ હવે બેકાબૂ બની રહ્યું છે. ભોપાલ-ઇન્દોર સહિત અન્ય શહેરોમાં પણ સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે અન્ય ચાર જીલ્લા રતલામ, બેતુલ, છિંદવાડા અને ખરગોનમાં લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ મહારાષ્ટ્રના પુણેમાં પણ 12 કલાકનું નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશ સરકારે આ ચાર જીલ્લાઓમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. છિંદવાડામાં વહીવટીતંત્રે 88 કલાક માટે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ખરગોનમાં પણ 58 કલાક માટે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. રતલામ અને બેતુલમાં પણ કડક લોકડાઉન લાગૂ કરાયું છે. આ બધા જ જીલ્લાઓ મહારાષ્ટ્રની સરહદે આવેલા છે.
લોકડાઉન દરમિયાન મોટા ભાગે તમામ બજારો બંધ રહેશે. સાથે જ લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા વિરુદ્વ કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત ભોપાલ તેમજ ઇન્દોરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ થશે. રવિવારે પણ રાજ્યના 12 જીલ્લાઓમાં લોકડાઉન અમલી રહેશે.
નોંધનીય છે કે કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રના પુણેમાં પણ સંક્રમણને અંકુશમાં રાખવા માટે સરકારે 12 કલાકના કડક નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શહેરમાં, સપ્તાહ સુધી તમામ ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરાં અને બાર પણ બંધ રહેશે.
(સંકેત)