Site icon Revoi.in

પશ્વિમ બંગાળમાં જીત બાદ મમતા બેનર્જીની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, કહ્યું – કોરોના સંક્રમણને નિંયત્રિત કરવાની છે પ્રાથમિકતા

Social Share

કોલકાતા: પશ્વિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય હાંસલ કર્યા બાદ સીએમ મમતા બેનર્જીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. મમતા બેનર્જીએ જીત માટે દરેકને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, અમારી પ્રથમ પ્રાથમિકતા કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવાની છે. તેઓએ એકવાર ફરી બંગાળી અસ્મિતાને જગાવતા મમતા બેનર્જીએ જય બાંગ્લાનો નારો આપ્યો હતો. તે ઉપરાંત મમતા બેનર્જીએ રાજ્યના લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી હતી.

મમતા બેનર્જીએ જીત બાદ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, વિપક્ષના તમામ પ્રયાસો છતાં અમારો પ્રચંડ વિજય થયો છે. આ બંગાળ અને બંગાળના લોકોનો વિજય છે. બંગાળના લોકોએ દેશને બચાવ્યો છે. મે કહ્યું હતું કે અમે બે શતક લગાવીશું. આ જીતે બંગાળના લોકોને બચાવ્યા. મે કહ્યું હતું કે ખેલા હોબે, એવું થયું અને અંતે અમારો વિજય થયો.

નંદીગ્રામમાં થયેલી હાર અંગે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, નંદીગ્રામ અંગે ચિંતા ના કરશો. નંદીગ્રામની જનતાએ જે પણ નિર્ણય કર્યો છે, તેને હું સ્વીકારું છું. અમે 221થી વધુ બેઠકો પર જીતીએ છીએ અને બીજેપીની ચૂંટણીમાં હાર થઇ છે.

ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ મમતા બેનર્જી પોતાના ભત્રીજા અભિષેક બેનર્જી સાથે દેખાયા હતા. આ દરમિયાન તેઓએ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું અને તેઓને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. ટીએમસીના સૂત્રો અનુસાર મમતા બેનર્જીએ આ જીતનું જશ્ન ના મનાવવાનો પણ સંદેશ આપ્યો હતો.

મમતા બેનર્જીએ ટીએમીના કાર્યકરો તેમજ સમર્થકોને અપીલ કરતા કહ્યું હતું કે, હું દરેકને આગ્રહ કરું છું વિજય સરઘસ ના કાઢે કે જશ્ન ના મનાવે. હું દરેકને ઘરે પરત ફરવાની અપીલ કરું છું.

(સંકેત)