રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન: રૂ. 638 કરોડના આઠ પ્રોજેક્ટને મંજૂરી
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન દ્વારા લગભગ 638 કરોડ રૂપિયાના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. મિશનના મહાનિયામક જી. અશોક કુમારની અધ્યક્ષતામાં કાર્યકારી સમિતિની બેઠક મળી હતી. જેમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. યમુના નદીની ઉપનદી હિંડોન નદીને સ્વચ્છ કરવાના ઉદ્દેશ્ય સાથે શામલી જિલ્લામાં પ્રદૂષણ ઘટાડવા માટે આશરે 407 કરોડ રૂપિયાના ચાર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
જળશક્તિ મંત્રાલયે જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ હિંડોન કાયાકલ્પ યોજનાનો ભાગ છે કારણ કે, આ નદીને પ્રદૂષિત નદીના પટ તરીકે ઓળખવામાં આવે છે. 2025માં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીના ભાગરૂપે, સાત ઘાટના વિકાસ માટે એક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ઘાટમાં દશાશ્વમેધ ઘાટ, કિલા ઘાટ, જ્ઞાન ગંગા આશ્રમ ઘાટ અને સરસ્વતી ઘાટનો સમાવેશ થાય છે. આ ઘાટમાં સ્નાન માટેનો વિસ્તાર અને પીવાના પાણી જેવી સુવિધાઓ હશે. બિહાર અને મધ્યપ્રદેશ માટેના ગટર વ્યવસ્થાપન પ્રોજેક્ટને બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
બિહારમાં, લગભગ 77 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાંધવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ ગંગાની ઉપનદી કીલ નદીમાં પ્રદૂષિત પાણીના પ્રવાહને અટકાવશે. મધ્યપ્રદેશમાં, એક પ્રોજેક્ટ આશરે 93 કરોડ રૂપિયાના ખર્ચે સવા બે કરોડ લિટર ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય કામોને મંજૂરી આપવામાં આવી હતી. યમુનાની ઉપનદી ક્ષિપ્રા નદીમાં પ્રદૂષિત પાણીના પ્રવાહને પણ તે અટકાવશે. આ ઉપરાંત ઘાટ વિકાસ માટેનો બીજો પ્રોજેક્ટ હરિદ્વાર માટે મંજૂર કરવામાં આવ્યો છે, ત્યાં બે કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અખંડ પરમ ધામ ઘાટ બનાવવામાં આવશે.