ગૃહમંત્રી અમિત શાહે સ્ટેજ પરથી બૂલેટ પ્રૂફ ગ્લાસ હટાવ્યો, કહ્યું – તમારા હૃદયમાંથી ડર-ભય દૂર કરો
- ગૃહમંત્રી અમિત શાહે સ્ટેજ પરથી બૂલેટ પ્રૂફ ગ્લાસ શીલ્ડ હટાવી દીધુ
- તમે બધા તમારા હૃદયમાં રહેલા ડર અને ભયને દૂર કરો: અમિત શાહ
- આજે હું તમારી સાથે ખુલીને વાત કરવા માંગુ છું
નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ અત્યારે જમ્મૂ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસ પર છે ત્યારે તેઓએ શ્રીનગરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સ્ટેજ પરથી બૂલેટ પ્રૂફ ગ્લાસ શીલ્ડ હટાવી દીધુ હતું. તેમણે કહ્યું હતું કે, તમે બધા તમારા હૃદયમાં રહેલા ડર અને ભયને દૂર કરો. કાશ્મીરની શાંતિ અને વિકાસની યાત્રામાં હવે કોઇ બાધા નહીં આવે. વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું કે, મારી નિંદા કરવામાં આવી હતી, આજે હું તમારી સાથે ખુલીને વાત કરવા માંગુ છું. તેથી અહીં કોઇ બુલેટ પ્રુફ કે સુરક્ષા નથી.
શ્રીનગરમાં ગૃહમંત્રી અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો છે. અહીં જાહેર સભાને પણ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ખીણના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. તેમના હાથમાં હથિયારો અને પથ્થર અપાય છે. યુવાનોએ સારા માર્ગે ચાલવાની જરૂર છે, આનાથી જમ્મૂ કાશ્મીરમાં વિકાસની લહેર આવશે.
અમિત શાહે વિપક્ષ પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે, હું કાશ્મીરના યુવાનોને અપીલ કરું છું કે, જેઓએ તમને હાથમાં પથ્થર પકડાવામાં આવ્યા તેઓએ શું સારું કર્યું? તમારા હાથમાં શસ્ત્રો રાખનારાઓએ તમારું શુ સારું કર્યું? પીઓકે તમારી નજીક છે. પૂછો શું ગામમાં વીજળી, હોસ્પિટલ, મેડિકલ કોલેજ છે? શું મહિલાઓ માટે શૌચાલય છે? ત્યાં કશુ જ થયુ નથી અને આ લોકો પાકિસ્તાનના ગાણા ગાય છે.