- ભારતીય રેલવેની સરાહનીય કામગીરી
- 8 મહિનાના ભૂખ્યા બાળક માટે ચાલુ ટ્રેને મહિલાએ કરી રેલવે મંત્રીને ટ્વિટ
- માત્ર 23 મિનિટની અંદર રેલવેએ પહોંચાડ્યું દૂધ
નવી દિલ્હી: સોશિયલ મીડિયાની તાકાત અને ભારતીય રેલવેની મુસાફરો પ્રત્યેની સહાનુભૂતિનું એક ઉત્તમ દ્રષ્ટાંત જોવા મળ્યું છે. ટ્રેનમાં સફર કરી રહેલી માતાએ પોતાના 8 મહિનાના ભૂખ્યા બાળક માટે દૂધ આપવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરથી રેલવે મંત્રીને ટ્વિટ કરી હતી. માતાની ટ્વિટની માત્ર ગણતરીની મિનિટોની અંદર જ ભારતીય રેલવે દ્વારા બાળક માટે દૂધની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ભારતીય રેલવેની આ પ્રકારની ઉમદા સેવાને સૌ કોઇ બિરદાવી રહ્યા છે.
આ કિસ્સો સોમવારનો છે જ્યારે મુંબઇ-સુલ્તાનપુર એટીટી એક્સપ્રેસ ટ્રેનના થર્ડ એસી કોચમાં સવાર મહિલાએ પોતાના પોતાના નવજાત બાળકોને દૂધની જરૂર હોવોની ટ્વિટ રેલવે મંત્રીને કરી હતી. મુસાફર પાસેથી તમામ વિગતો મેળવ્યા બાદ, નવજાત માટે દૂધની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને 23 મિનિટની અંદર જ કાનપુર રેલવે પર દૂધની ડિલિવરી પણ કરી દેવામાં આવી હતી. આ બાદ માતાએ અને અન્ય મુસાફરોએ ભારતીય રેલવેની કામગીરીની પ્રશંસા કરી હતી.
સુલ્તાનપુર જઇ રહેલી એલટીટી એક્સપ્રેસના બી-1 કોચના બર્થ નંબર 17 અને 20માં 8 મહિનાના નવજાત બાળક સહિત પોતાના બે બાળકો સાથે સુલ્તાનપુરની મહિલા મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન બપોરે ટ્રેન ભીમસેન સ્ટેશન પહોંચવાની હતી, ત્યારે નવજાત બાળક ભૂખને કારણે રડવા લાગ્યું હતું.
આ બાદ મહિલાએ બપોરે 2.52 મિનિટે રેલવે મંત્રીને ટ્વીટ કર્યું હતું, તે સમયે ટ્રેને ભીમસેન સ્ટેશન છોડી દીધું હતું. મહિલાની ટ્વીટ બાદ રેલવે વિભાગ એક્શનમાં આવી ગયો હતો. કાનપુર સેન્ટ્રલના ડેપ્યુટી સીટીએમ હિમાંશુ શેખર ઉપાધ્યાયની સૂચનાઓ બાદ એસીએમ સંતોષ ત્રિપાઠીએ બાળક માટે દૂધની વ્યવસ્થા કરી હતી.