- સાંસદો-ધારાસભ્યો ટોલ કેમ નથી આપતા?
- જુઓ નીતિન ગડકરી શું આપ્યો જવાબ
નવી દિલ્હી: જ્યારે આપણે બહારગામ જઇએ છીએ ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સ લેવામાં આવે છે અને મોંઘા ટોલથી લોકો ત્રસ્ત હોય છે ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને લોકોએ એવો સવાલ પૂછ્યો હતો કે, સામાન્ય પ્રજાને મોંઘા ટોલ ટેક્સ ભરવા પડે છે જ્યારે સાંસદો અને ધારાસભ્યો ટોલ ટેક્સ કેમ નથી ભરતા?
લોકોના આ સવાલનો પ્રત્યુત્તર આપતા નીતિન ગડકરીએ એવો તર્ક આપ્યો હતો કે, સરકારે સેના, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટર દ્વારા માલ લઇ જનારા ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોને છૂટછાટ આપેલી છે પરંતુ સૌને છૂટ આપવાનું તો શક્ય નથી. જો સારા રસ્તા પર જવું હશે તો પૈસા આપવા પડશે.
નીતિન ગડકરીએ વધુમાં એવુ પણ ઉમેર્યું હતું કે, પહેલા લોકો ટ્રાફિકમાં ફસાતા હતા, પેટ્રોલ અને ડીઝલ પર પૈસા બરબાદ થતા હતા. હવે સારા રોડ બનવાથી પૈસા બચી રહ્યા છે તેના તેના બદલામાં ટોલ આપવામાં શું વાંધો છે. રોડના નિર્માણ માટે પૈસા ઉધાર લીધા છે જે તેમણે ચૂકવવાના છે અને વ્યાજ આપવાનું છે માટે ટોલ લાગુ કરવો પડે છે.
નોંધનીય છે કે, ઈન્ફ્રા બોન્ડ અંગે ચર્ચા કરતાં ગડકરીએ કહ્યું કે, તમે બેંકમાં પૈસા રાખો છો તો કેટલું વ્યાજ મળે છે, જો તમે રોડ બનાવવા પૈસા આપશો તો સરકાર તેના પર વધારે વ્યાજ આપશે.