Site icon Revoi.in

RSS વિરુદ્વ વિવાદિત ટિપ્પણી: ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્વ FIR દાખલ

Social Share

મુંબઇ: કોઇપણ મુદ્દે ગીતકાર જાવેદ અખ્તર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહે છે જેને કારણે તે કોઇને કોઇ વિવાદમાં સપડાય છે અને પછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે તેઓ ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્વ ટિપ્પણી જાવેદ અખ્તરને ભારે પડી છે. એક ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે RSSની તુલના તાલિબાન સાથે કરી હતી. જે બાદ તેની સામે FIR નોંધવામાં આવી છે. જાવેદ અખ્તર વિરુદ્વ વકીલ સંતોષ દુબે દ્વારા મુલંડ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. IPCની કલમ 500 હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે.

વકીલ સંતોષ દુબેએ કહ્યું કે, મે અગાઉ જાવેદ અખ્તરને તેમની ટિપ્પણી માટે માફી માંગવા માટે કાનૂની નોટિસ મોકલી હતી પરંતુ તેમણે કંઇ કર્યું નહીં. હવે મારી ફરિયાદ પર તેની સામે FIR નોંધવામાં આવી છે.

તેઓએ કહ્યું કે, જો જાવેદ અખ્તર બિનશરતી લેખિત માફી અને નોટિસનો સાત દિવસની અંદર જવાબ નહીં આપે તો તેઓ તેમની સામે 100 કરોડ રૂપિયાની માંગણી સાથે ફોજદારી કેસ દાખલ કરશે. જાવેદ અખ્તર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી IPCની કલમ 499 અને 500 હેઠળ ગુનો છે.

મહત્વનું છે કે, એક ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે વિવાદિત ટિપ્પણી કરી હતી કે, RSSનું સમર્થન કરનારા લોકોની માનસિકતા તાલિબાન જેવી છે. આ સંઘનું સમર્થન કરનારાઓએ આત્મનિરીક્ષણ કરવું જોઇએ. તમે જેને ટેકો આપી રહ્યા છો અને તાલિબાનીઓ વચ્ચે શું ફરક છે?