મુંબઇના બાંદ્રા-કુર્લામાં નિર્માણાધીન ઑવરબ્રીજ ધરાશાયી, 13 મજૂરો ઇજાગ્રસ્ત, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ
- મુંબઇમાં નિર્માણાધીન ઑવરબ્રીજ ધરાશાયી
- આ દુર્ઘટનામાં 13 મજૂરો ઇજાગ્રસ્ત
- રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
નવી દિલ્હી: મુંબઇમાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવરો ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં લગભગ 13 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ અન્ય લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દુર્ઘટના શુક્રવારે સવારે 4.40 વાગ્યે સર્જાઇ હતી અને મુંબઇના પોશ વિસ્તાર બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ પાસે એક બાંધકામ હેઠળના ફ્યાલઑવરનો એક ભાગ તૂટી પડ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ ફાયરબ્રિગેડ તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે અને લોકોને બચાવવા કામગીરી ચાલી રહી છે.
ડીસીપી (ઝોન 8) મંજુનાથ સિંગેએ જણાવ્યું હતું કે, “બીકેસી મેઇન રોડ અને સાન્તાક્રુઝ-ચેમ્બુર લિંક રોડને જોડતા અંડર કન્સ્ટ્રક્શન ફ્લાયઓવરનો એક ભાગ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. 13 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ નથી અને કોઈ વ્યક્તિ ગુમ નથી.
ત્યારે વહેલી સવારે મુંબઈના માનખુર્દ (Mankhurd) વિસ્તારમાં સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. ઘટના સ્થળે 6 ફાયર ટેન્કર હાજર છે અને ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.