- એશિયન ગેમ્સ સ્પર્ધાની પૂર્વતૈયારી રૂપે એક કેમ્પ દરમિયાન ડ્રગ્સ લેવાનો મામલો
- ડ્રગ્સ લેવા બદલ બાસ્કેટ બોલ ખેલાડી સતનામ સિંઘ પર 2 વર્ષનો પ્રતિબંધ
- પ્રતિબંધ દરમિયાન કોઇપણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ નહીં લઇ શકે
નવી દિલ્હી: રાષ્ટ્રીય બાસ્કેટ બોલ સ્પર્ધામાં સહભાગી થયેલા બાસ્કેટ બોલ ખેલાડી સતનામ સિંઘ પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નાડાની સુનાવણી દરમિયાન હિયરીંગ પેનલે એના પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. સતનામે પોતે કોઇ ડ્રગ લીધો હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે વર્ષ 2019ના નવેમ્બરમાં લેવાયેલા ડોપ ટેસ્ટમાં એમે ડ્રગ લીધી હોવાનું પુરવાર થયું હતું.
નાડાએ પ્રતિબંધ વિશે જણાવ્યું હતું કે જે દિવસે એ ડોપિંગ ટેસ્ટમાં ગુનેગાર સાબિત થયો હતો એ જ દિવસથી આ પ્રતિબંધ અમલમાં આવશે. આ પ્રતિબંધ દરમિયાન સતનામ કોઇ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બાસ્કેટ બોલ સ્પર્ધામાં ભાગ નહીં લઇ શકે.
નોંધનીય છે કે વર્ષ 2019માં બેંગાલુરુંમાં એશિયન ગેમ્સ સ્પર્ધાની પૂર્વતૈયારી રૂપે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં સતનામના મૂત્રનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. એ સેમ્પલમાં હિગેનામાઇન ડ્રગના અંશો મળી આવ્યા હતા. સ્પોર્ટ્સમાં આ રસાયણ લેવા પર પ્રતિબંધ છે. જે ખેલાડી આ ડ્રગનું સેવન કરે છે એ રમત રમવા માટે ગેરલાયક ઠરે છે. જો કે સતનામે પોતાનો બચાવ કરતા કોઇ પણ ડ્રગ લીધુ નથી એવી રજૂઆત કરી હતી. પરંતુ તે પોતાની નિદોર્ષતા સાબિત કરવામાં નિષ્ફળ નિવડ્યો હતો.
(સંકેત)