નાગાલેન્ડ ફાયરિંગ: શું હતી સમગ્ર ઘટના? ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કર્યો ખુલાસો
- નાગાલેન્ડ ગોળીકાંડ પર ગૃહ મંત્રી અમિત શાહે આપ્યું નિવેદન
- નાગાલેન્ડ ગોળીકાંડ એ એક ખોટી ઓળખનો કેસ છે
- આ ગોળીબારમાં 6 લોકોનાં મોત નિપજ્યા હતા
નવી દિલ્હી: નાગાલેન્ડમાં શનિવારની રાત્રી દરમિયાન થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. આજે લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે આ મુદ્દે નિવેદન આપ્યું છે. અમિત શાહે ગોળીકાંડ અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ એક ખોટી ઓળખનો કેસ છે. સેનાએ શંકાસ્પદ સમજીને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કુલ 6 લોકોનાં મોત નિપજ્યા છે.
આ સમગ્ર ઘટના વિશે વાત કરતા લોકસભામાં અમિત શાહે માહિતી આપી હતી કે, સેનાના 21 પેરા કમાન્ડને મોન જીલ્લામાં કેટલાક શંકાસ્પદ બળવાખોરોની અવરજવર થઇ શકે તેવી બાતમી મળી હતી. ત્યારબાદ સેનાએ તેઓને પકડવા માટે ત્યાં છટકું ગોઠવ્યું હતું. જ્યારે એક ટ્રેન પસાર થતી હતી ત્યારે સેનાએ વાહન રોકવા જણાવ્યું પરંતુ ટ્રેન થોભવાને બદલે ઝડપથી ચાલવા લાગી. ત્યારબાદ શંકાસ્પદ લોકો કારમાં હોવાની આશંકાથી સેનાએ ગોળીબાર કર્યો હતો. વાહનમાં 8 લોકો સવાર હતા. આ ગોળીબારમાં 6નાં મોત નિપજ્યા છે.
વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વાહનમાં રહેલા 2 લોકોને સેનાએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સમાચાર મળ્યા બાદ સ્થાનિક ગ્રામજનોએ સેનાની ટુકડીને ઘેરી લીધી હતી, તેમના વાહનોને આગચંપી કરી હતી અને તેમના પર હુમલો કર્યો હતો. આ કારણે એક યુવાનનું મોત નીપજ્યું હતું. અને ઘણા જવાનો ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ તેમની સુરક્ષામાં ફાયરિંગ કરવું પડ્યું હતું અને ભીડને હટાવવા માટે ગોળીબાર કરવો પડ્યો હતો. આનાથી વધુ ૭ નાગરિકો માર્યા ગયા હતા અને કેટલાક વધુ ઘાયલ થયા હતા.
અમિત શાહે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યાંની પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ આ સમયે નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું કે આ કેસમાં પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.