- મુંબઇ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં વધુ એક ધરપકડ
- આ કેસમાં 19મી ધરપકડ કરાઇ
- શિવરાજ રામદાસ નામના ડ્રગ પેડલરની ધરપકડ
મુંબઇ: મુંબઇના હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મોટી કાર્યવાહી કરી છે. NCBએ આ કેસમાં 19માં આરોપીની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ખાર પશ્વિમના મુરગુન ચાલમાં રહેતો શિવરાજ રામદાસ ડ્રગ પેડલર છે. ધરપકડ કરાયેલા આરોપીઓના ખુલાસા બાદ ધરપકડ કરાઇ હતી.
આ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના ડ્રાઇવર મુન્નાની પણ છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોનુસાર, NCB તપાસ અનુસાર અરબાઝ મર્ચન્ટ અને પ્રતીક ગાબા તેમના અન્ય સાથીઓ સાથે આર્યન ખાનને મળવા માટે મન્નત પહોંચ્યા હતા. આ પછી, તેઓ આર્યન ખાનને મર્સિડીઝ કારમાં બહાર લઇ ગયા, જેને મિશ્રા નામના ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. આ બધા રેવ પાર્ટી માટે એક સાથે બહાર ગયા હતા.
અગાઉ આર્યન ખાનના નજીકના મિત્ર શ્રેયસ નાયરની પણ ધરપકડ કરવામાં આવી હતી. શ્રેયસનું નામ આર્યનની વોટ્સએપ ચેટ પરથી બહાર આવ્યું હતું. NCBએ કહ્યું હતું કે, શ્રેયસ તે રાત્રે ડ્રગ્સ પાર્ટીમાં પણ હાજરી આપવા જતો હતો પરંતુ કોઇ કારણોસર તે આવી શક્યો ન હતો.
નોંધનીય છે કે, અગાઉ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન કાનની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. આર્યનની સાથે તેના પરિવારના સભ્યોને આશા હતી કે હવે તેને જામીન પર મુક્ત કરાશે પરંતુ તેઓની આશા પર પાણી ફરી વળ્યું હતું. જામીન અરજી ફગાવાયા બાદ NCB આર્યન સહિત તમામ 8 આરોપીઓને મુંબઇની આર્થર જેલમાં લઇ ગઇ હતી.