Site icon Revoi.in

શાહરૂખ ખાન અને અનન્યા પાંડેને ત્યાં NCBના દરોડા, આ વસ્તુઓ કરી જપ્ત

Social Share

મુંબઇ: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની મુશ્કેલી જાણે કે પૂરું થવાનું નામ જ નથી લઇ રહી. શાહરૂખના લાડલા આર્યનને હજુ જામીન પણ મળ્યા નથી ત્યાં હવે NCBએ શાહરૂખના ઘર મન્નત પર દરોડા પાડ્યા છે. હાલમાં NCBની એક ટીમ તેના ઘરની તપાસ કરી રહી છે. આજે જ શાહરૂખ પોતાના પુત્ર આર્યન ખાનને મળવા માટે જેલમાં ગયા હતા.

NCBની ટીમ શાહરૂખના ઘરે પહોંચી છે અને અત્યારે આર્યન ખાનના રૂમથી લઇને અન્ય ચીજોનું સર્ચ ઑપરેશન કરી રહી છે. NCBએ આર્યન પર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનો આરોપ લગાવ્યો હતો. આવામાં NCBને એવી શંકા છે કે આર્યન પાસેથી કેટલાક વધુ પુરાવા મળી શકે છે.

અહેવાલ અનુસાર NCBના અધિકારી શાહરૂખ ખાનના ઘરે નોટિસ આપવા ગયા હતા. આ નોટિસમાં લખ્યું હતું કે, જો આર્યન પાસે કોઇ અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય તો તેના પરિવારે તે NCB પાસે જમા કરાવવાનો રહેશે.

અગાઉ 20 ઑક્ટોબરના રોજ કોર્ટમાં આર્યનની જામીન સુનાવણી દરમિયાન NCBએ કહ્યું હતું કે, તેમણે કોર્ટમાં આર્યનની વોટ્સએપ ચેટ્સ સબમિટ કરી દીધી છે. NCBએ કહ્યું હતું કે, પોલીસને જે ડ્રગ્સ સંબંધિત વોટ્સએપ ચેટ મળી છે તે કથિત રીતે આર્યન અને એક નવોદિત અભિનેત્રીની વચ્ચેની છે. જો કે NCBએ અભિનેત્રીના નામનો ખુલાસો કર્યો ન હતો.

બીજી તરફ NCBએ બોલિવૂડ અભિનેત્રી અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેના ઘરે પણ દરોડા પાડ્યા છે. કહેવાય છે કે વોટ્સએપ ચેટમાં અભિનેત્રીનું નામ સામે આવ્યું હતું. આર્યન ખાનની ચેટથી અનન્યા પાંડેના તાર જોડાયેલા હોવાની વાત સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, NCBએ અનન્યા પાંડેના ઘરેથી કેટલાક ફોન, લેપટોપ તેમજ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પણ જપ્ત કર્યા છે.