- લોકડાઉન છતાં દેશમાં માર્ગ અકસ્માતમાં વધુ મૃત્યુ થયા
- કોવિડ-19 લોકડાઉન હોવા છતાં દરરોજ સરેરાશ 328 લોકોએ જીવ ગુમાવ્યા
- નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોએ તેના અહેવાલમાં આ આંકડા જારી કર્યા છે
નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉન છતાં પણ દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. વર્ષ 2020માં વાહનચાલકોની બેદરકારીને કારણે માર્ગ અકસ્માતો સંબંધિત 1.20 લાખ મૃત્યુ નોંધાયા છે. સરકારી આંકડા અનુસાર, કોવિડ-19 લોકડાઉન હોવા છતાં દરરોજ સરેરાશ 328 લોકોએ જીવ ગુમાવ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોએ 2020 માટેના તેના વાર્ષિક ક્રાઇમ ઇન્ડિયા રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ત્રણ વર્ષમાં બેદરકારીને કારણે 3.92 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.
NCRCના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018થી દેશમાં હિટ એન્ડ રનના 1.35 લાખ કેસ નોંધાયા છે. માત્ર 2020માં, હિટન એન્ડ રનના 41,196 કેસ નોંધાયા હતા. વર્ષ 2019માં 47,504, અને વર્ષ 2018માં 47,028 કેસો સામે આવ્યા હતા.
સાર્વજનિક રસ્તા પર ઝડપી અથવા રફ ડ્રાઇવિંગને કારણે થયેલી ઈજાના 2020માં 1.30 લાખ, 2019માં 1.60 લાખ અને 2018માં 1.66 લાખ કેસ હતા, જ્યારે આ વર્ષોમાં “ગંભીર ઈજાઓ” ની સંખ્યા અનુક્રમે 85,920, 1.12 લાખ અને 1.08 રહી છે. દરમિયાન 2020માં દેશભરમાં રેલ અકસ્માતોમાં બેદરકારીને કારણે મૃત્યુના 52 કેસ નોંધાયા હતા. 2019માં આવા 55 અને 2018માં 35 કેસ સામે આવ્યા છે.
વર્ષ 2020 દરમિયાન ભારતમાં તબીબી બેદરકારીને કારણે મૃત્યુના 133 કેસ નોંધાયા હતા. વર્ષ 2019માં આવા કેસોની સંખ્યા 201 હતી જ્યારે વર્ષ 2018માં તે 218 પર પહોંચી હતી.
રિપોર્ટ અનુસાર, 2020 માં ‘નાગરિક સંસ્થાઓની બેદરકારીને કારણે મૃત્યુ’ના 51 કેસ નોંધાયા હતા. 2019માં આવા કેસોની સંખ્યા 147 અને 2018માં 40 હતી. ડેટામાં જાણવા મળ્યું છે કે 2020 માં સમગ્ર દેશમાં “અન્ય બેદરકારીને કારણે મૃત્યુ”ના 6,367 કેસ નોંધાયા હતા, જે 2019માં 7,912 અને 2018માં 8,687 હતા.