- દેશમાં ટૂંક સમયમાં નવો શ્રમ કાનૂન લાગૂ થવા જઇ રહ્યો છે
- આ કાનૂનની લાંબા ગાળા સકારાત્મક અસર જોવા મળશે
- સર્વેમાં ભાગ લેનારી 64 ટકા પેઢીઓએ તેની સકારાત્મક અસરને લઇને આશાવાદ વ્યક્ત કર્યો
નવી દિલ્હી: દેશમાં ટૂંક સમયમાં નવો શ્રમ કાનૂન લાગૂ થવા જઇ રહ્યો છે ત્યારે આ કાનૂનને લઇને મોટા પ્રમાણના ઉદ્યોગોએ પોતાનો સૂર વ્યક્ત કર્યો છે. ઉદ્યોગો અનુસાર આ શ્રમ કાનૂનની લાંબા ગાળે સકારાત્મક અસર જોવા મળશે. એક ખાનગી રિસર્ચ પેઢી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ભાગ લેનારી પેઢીઓમાંથી 64 ટકા પેઢીઓએ લેબર રિફોર્મ્સની લાંબા ગાળે સકારાત્મક અસર જોવા મળવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. 21 ટકા કંપનીઓ શ્રમ સુધારાની નકારાત્મક અસર જોઇ રહી છે જ્યારે બાકીની કંપનીઓ હજુ આ સંદર્ભમાં અનિશ્વિત છે.
સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી 50 ટકા કંપનીઓએ શ્રમ કાયદા લાગૂ થવા સાથે તેનો અમલ કરવા પોતે તૈયાર હોવાનું જણાવ્યું હતું. જ્યારે 36 ટકા કંપનીઓ તે લાગુ કરવાની સ્થિતિમાં ના હોવાનું જણાવ્યું હતું.
ભારતે 29 વિવિધ શ્રમ કાયદાને એકત્રિત કરી તેમાંથી માત્ર 4 કાયદા ઘડી કાઢ્યા છે. આ ચાર કાયદા વેતન, સામાજીક સલામતિ, વ્યાવસાયિક સંરક્ષણ તેમજ ઔદ્યોગિક સંબંધને સંલગ્ન છે.
સંસદે આ કાયદાને પસાર કર્યા છે પરંતુ તેના અમલીકરણ માટેના નિયમો હજુ ડ્રાફ્ટ કરવાના બાકી છે. રાજ્ય સ્તરે નિયમો તૈયાર કરવામાં ઢીલને જોતા આ કાયદાનું અમલીકરણ વિલંબથી થઇ શકે છે. મૂળ યોજના પ્રમાણે કાયદા 1લી એપ્રિલથી લાગૂ કરવાના હતા.
હાલમાં દેશના ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ હોવાથી નિયમો ઘડવામાં ઢીલ થઇ રહ્યાનું શ્રમ મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું.
(સંકેત)