Site icon Revoi.in

રસીનું ઉત્પાદન વધારવા સરકાર સજ્જ, આગામી સપ્ટેમ્બર સુધીમાં 10 કરોડ રસીના ડોઝ તૈયાર કરાશે

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીએ હવે ભારતમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે એક સમયે જે રસીની નિકાસ કરવામાં આવતી હતી, હવે તે રસીની આયાત કરવાની નોબત આવી છે. ભારતમાં અત્યારે રસીનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે, સરકાર સપ્ટેમ્બર સુધીમાં ઘરેલું કોવિડ-19 રસી કોવેક્સિનનું ઉત્પાદન વધારશે. દર મહિને તેનું ઉત્પાદન લગભગ 10 કરોડ ડોઝ સુધી પહોંચે તેવી સંભાવના છે.

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ નિર્ણય લેવાયો છે. થોડા સપ્તાહ પહેલાં કોવિડ સુરક્ષા પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો હતો. જેના દ્વારા રસીનું ઉત્પાદન કઇ રીતે થઇ શકે? તે માટે મંત્રીમંડળની ટુકડીએ બે વેક્સીન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દ્વારા રસીકરણને લઇ ઉત્પાદકો સાથે વિવિધ અભ્યાસો થયા હતા.

રસીનું ઉત્પાદન વધારવા માટે ભારત બાયોટેક લિમિટેડની સાથે જ જાહેર ક્ષેત્રની ઉત્પાદન કંપનીઓને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આપવાની તૈયારી થઈ હતી. સરકાર દ્વારા ઉત્પાદકોને આર્થિક ટેકો આપવાની તૈયારી પણ બતાવાઈ હતી. જેના અનુસંધાને ભારત બાયોટેકને બેંગલોર ખાતે નવી સુવિધા વિકસાવવા માટે રૂપિયા 65 કરોડ આપવાનો નિર્ણય લેવાયો હતો.

ડીબીટી અનુસાર, આગામી મે થી જૂન મહિનામાં કોરોનાની રસીનું ઉત્પાદન બેગણું કરવાનો પ્રયાસ કરાશે. જેને મહિના સુધીમાં 6 થી 7 ગણું વધારવાનો પ્રયાસ થશે. એપ્રિલ મહિના સુધી રોજ વેક્સિનના 1 કરોડ ડોઝ બનતા હતા, જે જુલાઇ-ઑગસ્ટ મહિના સુધીમાં વધારીને 6 થી 7 કરોડ સુધી કરવામાં આવશે.

રસીની ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે મુંબઈની હફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, હૈદરાબાદની ઈન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (આઈઆઈએલ) અને ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજીકલ લિમિટેડ નામની (બીઆઇબીસીએલ) ત્રણ કંપનીઓ શરૂ કરવામાં આવી છે.

હફકીન બાયોફર્માસ્ટીકલ કોર્પોરેશન લિમિટેડ મહારાષ્ટ્ર સરકારનું સાહસ છે. કેન્દ્ર સરકાર તેને ઉત્પાદન વધારવા માટે 65 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે.

(સંકેત)