રામ મંદિરના નિર્માણ કાર્ય માટે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને 100 કરોડ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું
- સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય માટે ટ્રસ્ટની કરાઇ છે રચના
- અત્યારસુધી રામ મંદિરના નિર્માણ કાર્ય માટે 100 કરોડ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું
- આગામી સમયમાં આ દાનની રકમ વધવાની સંભાવના
અયોધ્યા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્ય માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ નામના આ ટ્રસ્ટને મંદિરના નિર્માણ કાર્ય માટે 100 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાઇ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. 15મી તારીખે જ દાન મેળવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ વધુમાં ઉમેર્યુ હતું કે ફંડના ડેટા હજુ સુધી અમારા હેડક્વાર્ટર્સ સુધી પહોંચ્યા નથી પરંતુ અમારા કાર્યકર્તાઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મંદિર નિર્માણ માટે આશરે 100 કરોડ રૂપિયાનું દાન મળી ગયું છે. રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવાનું આ અભિયાન 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
આ કેમ્પેઇન શરૂ થયાના માત્ર થોડા જ દિવસોમાં 100 કરોડ રૂપિયાનું દાન એકત્ર કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ દાન વધવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને પગલે રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે દાન આધારિત હશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રામ મંદિર નિર્માણ માટે દાન આપવામાં આવ્યું હતું જે અંગે પૂછતા ટ્રસ્ટે કહ્યું હતું કે તેમાં કઇ જ ખોટું નથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ભારતીય છે અને રામ આ દેશની આત્મા છે. તેથી જે પણ વ્યક્તિ સક્ષમ હોય તેઓ આ મહાન કાર્ય માટે દાન આપી શકે છે.
15મી જાન્યુઆરીએ વીએચપીના વર્કિંગ પ્રેસિડેંટ આલોક કુમાર, આરએસએસ નેતા કુલભુષણ આહુજા, શ્રી રામ જન્મભૂમી તીર્થ ટ્રસ્ટના સભ્ય ગોવિંદ દેવ ગીરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાઇએ વધુમાં કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ કામ 2024 પહેલા પૂર્ણ કરી લેવામાં આવશે, આ જ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવા જઇ રહી છે.
(સંકેત)