- ભારતે ગુરુવારે 100 કરોડ ડોઝ આપવાનો ઇતિહાસ રચ્યો
- આજે પીએમ મોદી રસીકરણ સહિતના અનેક મુદ્દાઓ પર દેશને સંબોધી રહ્યાં છે
- ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનના ગર્ભમાં જન્મયો છે: પીએમ મોદી
નવી દિલ્હી: ભારતે, ગુરુવારે 100 કરોડ ડોઝ આપવાનો ઐતિહાસિક મુકામ હાંસલ કરીને સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો છે ત્યારે આજે પીએમ મોદી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન દેશમાં રસીકરણ ઝુંબેશની સફળતાની સફર, દેશમાં વિક્રમી રોકાણ, યુવાઓ માટે રોજગારી સર્જન, કોરોના રોગચાળા દરમિયાન કૃષિ ક્ષેત્રનું યોગદાન, તહેવારોમાં તકેદારી, વોકલ ફોર લોકલ જેવા અનેક મુદ્દાઓ પર સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ રસીકરણની સફળતા અંગે કહ્યું કે, ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનના ગર્ભમાં જન્મયો છે. વૈજ્ઞાનિક આધાર પર વિકસ્યો છે અને વૈજ્ઞાનિક પદ્વતિઓ દ્વારા ચારે દિશામાં પહોંચ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં 100 કરોડ વેક્સિનેશન થયું છે એ માત્ર એક આંકડો નથી. આ એક નવા ભારતની શરૂઆત છે.
પીએમ મોદીનું સંબોધન અહીંયા નિહાળો
Addressing the nation. Watch LIVE. https://t.co/eFdmyTnQZi
— Narendra Modi (@narendramodi) October 22, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌરવ લેતાં કહ્યું કે, કોઇ દેશ માટે એક દિવસમાં એક કરોડ વેક્સિનેશન સરળ નથી. ભારતમાં વૈજ્ઞાનિક ઢબે રસીકરણ થયું છે. રસીકરણ અભિયાનમાં દરેક જગ્યાએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવાયો છે. જેના સારા પરિણામ મળ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ અને વિદેશની નિષ્ણાતો અને ઘણી એજન્સીઓ ભારતની અર્થવ્યવસ્થા અંગે ખૂબ જ સકારાત્મક છે. આજે ભારતીય કંપનીઓમાં માત્ર વિક્રમી રોકાણ આવી રહ્યું છે, પરંતુ યુવાનો માટે રોજગારીની નવી તકો પણ સર્જાઈ રહી છે. સ્ટાર્ટ-અપ્સમાં રેકોર્ડ રોકાણ સાથે, રેકોર્ડ સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન બની રહ્યા છે.
કોરોના મહામારીની શરૂઆતમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ભારત જેવા લોકતંત્રમાં કોરોના મહામારી સામે લડત ખૂબ જ પડકારજનક રહેશે. ભારત માટે, ભારતના લોકો માટે પણ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આટલી ધીરજ, અનુશાસન કેવી રીતે ચાલશે? પરંતુ આપણા માટે લોકતંત્રનો અર્થ સૌનો સાથ છે.
સૌને સાથે લઇને ભારતે દરેકને વેક્સીન-નિ:શુલ્ક વેક્સિનનું અભિયાન શરૂ કર્યું. ગરીબ-અમીર, ગામ-શહેર, દૂર-નજીક, દેશનો એક જ મંત્ર એ રહ્યો છે કે જો બીમારી કોઇ ભેદભાવ નથી જોતી તો વેક્સિનેશનમાં કેમ ભેદભાવ કરવામાં આવે. આ માટે જ વેક્સિનેશન મામલે વીઆઇપી કલ્ચર હાવી ના થાય તે સુનિશ્વિત કરવામાં આવ્યું.
હું તમને ફરીથા ભારપૂર્વક આગ્રહ કરી રહ્યો છું, કે ભારતમાં જે વસ્તુના નિર્માણ પાછળ ભારતીયોએ પરસેવો પાડ્યો હોય તેને ખરીદવો જોઇએ. આ આપણા બધાના પ્રયાસોથી જ સંભવ થશે.
જે રીતે સ્વચ્છ ભારત અભિયાન, એક જનઆંદોલન છે એ જ રીતે ભારતમાં નિર્મિત ચીજવસ્તુઓની ખરીદી, ભારતીયોની બનાવટની ચીજ-વસ્તુઓની ખરીદવી, Vocal for Local અપનાવવું, આ આપણે રોજીંદા વ્યવહારમાં લાવવું પડશે.
ભારત મોટા લક્ષ્યો નક્કી કરવા અને તેને હાંસલ કરવાનું સારી રીતે જાણે છે. પરંતુ, તે માટે આપણે સતત સાવધ રહેવું પડશે. આપણે બેદરકારી નથી દેખાડવાની.
ક્વચ ઉત્તમ હોય, આધુનિક હોય, ક્વચ સુરક્ષાની ખાતરી પૂરી પાડતું હોવા છતાં જ્યાં સુધી યુદ્વ ચાલી રહ્યું છે, ત્યાં સુધી હથિયારો હેઠા નથી મૂકવાના. હું દરેક દેશવાસીઓને તહેવારો સતર્કતા સાથે ઉજવવા માટે અપીલ કરું છું.