- ભારતમાં ગટરમાં મળ્યા કોરોના વાયરસના 108 મ્યુટન્ટ
- જીનોમ સિક્વન્સીંગના આધારે દેશમાં હજુ સુધી આટલા પરિવર્તનની ઓળખ થઇ નથી
- અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોને ગટરના પાણીમાં ડેલ્ટા અને આલ્ફાના પ્રકારો પણ મળી આવ્યા છે
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશ અને વિદેશમાં ગટરમાં રહેલા કોરોના વાયરસના અત્યાર સુધીમાં ઘણા પુરાવા સામે આવ્યા છે. તાજેતરમાં હૈદારાબાદ, લખનૌ અને મુંબઇની ધારાવીમાં પુરાવા મળ્યા છે. જો કે ગટરમાં વાયરસના કેટલા સ્વરૂપો છે તેને લઇને પ્રથમવાર અધ્યયન થયું છે જેના પરિણામો નવાઇ પમાડે તેવા છે.
સંશોધન અનુસાર પુનામાં ગટરમાંથી કોરોના વાયરસના 108 પરિવર્તન જોવા મળ્યાં છે. જીનોમ સિક્વન્સીંગના આધારે દેશમાં હજુ સુધી આટલા પરિવર્તનની ઓળખ થઇ નથી. પૂના સ્થિત CSIRની લેબમાં 6 જુદા જુદા નમૂનાઓની તપાસ કરાઇ હતી. જ્યારે કેટલાકમાં 20 અને કેટલાકમાં 35 પરિવર્તન જોવા મળ્યા હતા. અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોને ગટરના પાણીમાં ડેલ્ટા અને આલ્ફાના પ્રકારો પણ મળી આવ્યા છે.
આ અભ્યાસ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોગ્રેનિઝન કલેક્શન, પૂણે સ્થિત એકેડમી ઑફ સાયન્ટિફિક એન્ડ ઇનોવેટિવ રિસર્ચ, ગાઝિયાબાદની ઇકોસોન સર્વિસિસ ફાઉન્ડેશન તેમજ CSIR-નેશન કેમિકલ લેબે સંયુક્ત રીતે હાથ ધર્યો હતો.
આ અંગે NCIMના ડૉ. મહેશ ધર્ણેએ જણાવ્યું હતું કે, અમે આ અભ્યાસ ખુલ્લા કચરા પર કર્યો હતો. જેમાં ગટરમાંથી નમૂના લઇને વાયરસની તપાસ કરાઇ હતી. આ સાથે તેમનું પરિવર્તન જાણવા મળ્યું હતું. જેમાં ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 સુધી હાથ ધરાયેલા અધ્યયનમાં કોરોના વાયરસના 108 પરિવર્તન મળ્યાં છે.