- દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે મોટી જાહેરાતો કરી હતી
- જો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે
- જમીન અંગેના વિવાદોને કારણે આ ક્ષેત્રમાં રૂ.14 લાખ કરોડનું રોકાણ ખોરંભે ચડ્યું
નવી દિલ્હી: દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ વખતના બજેટમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે મોટી જાહેરાતો કરાઇ છે, જો કે આ ક્ષેત્રની વાસ્તવિકતા કંઇક અલગ જ સ્થિતિ દર્શાવે છે. જમીન અંગેના વિવિધ વિવાદના કારણે આ ક્ષેત્રમાં 14 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ખોરંભે ચડ્યું છે. તો બીજી તરફ આ ક્ષેત્ર માટેની 25 લાખ હેક્ટર જેટલી જમીન વિવાદમાં સપડાયેલી છે. આ વિવાદોનું ઝડપી નિરાકરણ આવે તે માટે સરકાર મોડલ રેગ્યુલેશન એક્ટ રજૂ કરવા વિચારણા કરી રહી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કંપનીઓ જમીન તો ખરીદે છે પરંતુ તે જમીન પર કામ શરૂ થવા સાથે તેના વિવિધ ભાગોના ટાઇટલને લઇને વિવાદ ઉભા થતા હોય છે જેના પગલે જે તે પ્રોજેક્ટ ઠપ થઇ જતો હોય છે. ઔદ્યોગિક સંસ્થાઓના મતે ઇન્ફ્રા પ્રોજેક્ટ સાથે સંકળાયેલી 25 લાખ હેક્ટર જેટલી જમીન વિવાદમાં સપડાયેલી છે જેના કારણે રૂ.14 લાખ કરોડનું રોકાણ પણ ખોરંભે પડ્યું છે.
અહીંયા ગંભીર બાબત એ છે કે દેશની અદાલતોમાં 66 ટકા સિવિલ કેસ જમીન વિવાદ સાથે સંકળાયેલા હોય છે જેનો નિકાલ આવવામાં વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે. જેના કારણે ઇન્ફ્રા પ્રોજેક્ટને સહન કરવાનો વારો આવતો હોય છે.
આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા જમીન ટાઇટલ સંબંધિત મોડેલ રેગ્યુલેશન એક્ટ રજૂ કરવા વિચારણા કરી રહી છે. આ નવા કાયદાની રૂપરેખા નીતિ આયોગના નેજા હેઠળ ઘડાઈ રહી છે. આ કાયદાના અમલ બાદ રાજ્યોએ જમીન ટાઇટલ (માલિકીપણું) અંગેની ગેરંટી લેવી પડશે.
આ નવા કાયદામાં દેશની જમીન અંગેના તમામ રેકોર્ડ ડિજિટલ ફોર્મેટમાં રખાશે તેમજ રાજ્યોમાં આ માટે અલગથી સંસ્થાનું નિર્માણ કરાશે. જેમાં ગ્રામીણ, શહેરી, ખેતી અને બિનખેતી એમ તમામ પ્રકારની જમીન માટે એક જ સિસ્ટમમાં કામ કરાશે આ પ્રકારની સિસ્ટમને કારણે વચેટિયાઓનો છેદ ઉડી જશે અને જમીનના માલિક સાથે સીધો જ સંપર્ક કરી શકાશે.
(સંકેત)