નવી દિલ્હી: પીએમ મોદી આજે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના 28માં સ્થાપના દિવસ પર આયોજીત એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, માનવાધિકારોની રક્ષા તેમજ તેને પ્રોત્સાહિત કરવાના હેતુસર માનવાધિકાર સંરક્ષણ કાનૂન, 1993 અંતર્ગત આયોગની સ્થાપના કરવામાં આવી હતી. NHRC માનવાધિકારના ઉલ્લંઘન અંગે જાણે છે, તપાસ કરે છે અને બાદમાં સાર્વજનિક પ્રાધિકારો દ્વારા પીડિતોને અપાતા વળતરની ભલામણ કરે છે.
પીએમ મોદીના સંબોધનની અપડેટ્સ
Addressing the 28th NHRC Foundation Day programme. https://t.co/IRSPnXh2qP
— Narendra Modi (@narendramodi) October 12, 2021
આ જ પ્રકારનો એકપક્ષીય વ્યવહાર કરતા કેટલાક લોકો માનવાધિકારોના ઉલ્લંઘનના નામ પર દેશની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારના લોકોથી દેશ સતર્ક રહે તે અનિવાર્ય છે.
માનવાધિકારોથી જોડાયેલો એક એવો પણ પક્ષ છે જેના પર આજે હું ભારપૂર્વક કહેવા માંગુ છું. હાલના કેટલાક વર્ષોમાં કેટલાક લોકો પોતાના હિત, સ્વાર્થને જોઇને પોતાની જ રીતે માનવાધિકારને વ્યાખ્યાયિત કરવા પ્રયાસો કરી રહ્યા છે. એક જ પ્રકારની કેટલીક ઘટનાઓમાં કોઇ એક પક્ષને માનવાધિકારોનું ઉલ્લંઘન નજર આવે છે તો બીજી તરફ એવી જ કોઇ અન્ય ઘટનામાં તે લોકોને માનવાધિકારનું ઉલ્લંઘન નજરે નથી પડતું. આ પ્રકારની માનસિકતા માનવાધિકારોને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.
આજે દેશ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મૂળ મંત્ર પર ચાલી રહ્યો છે. આ એક રીતે માનવાધિકારોને સુનિશ્વિત કરવાની મૂળ ભાવના છે.
ભારતે દેશના અનેકવિધ વર્ગોમાં અલગ અલગ સ્તર પર જોવા મળતા અન્યાયને દૂર કરવા માટે પણ અનેક પ્રયાસો કર્યા છે. દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ ત્રણ તલાકના અધિકાર માટે કાનૂનની માંગણી કરી રહી હતી. અમે ત્રણ તલાક વિરુદ્વ કાનૂન બનાવીને મુસ્લિમ મહિલાઓને તેઓને અધિકાર અપાવ્યો છે.
આપણા દેશના દિવ્યાંગ ભાઇઓ તેમજ બહેનોની શક્તિ અને સામર્થ્યનો પરચો આપણે લોકોએ પેરાલિમ્પિક દરમિયાન જોયો. દિવ્યાંગોને વધુ સશક્ત બનાવવા માટે પણ અનેક કાનૂન બનાવવામાં આવ્યા છે. તેઓ માટે નવી સુવિધાઓ પણ જોડવામાં આવી છે.
કોરોના મહામારી દરમિયાન ભારતે ગરીબો, નિ:સહાય, વરિષ્ઠ નાગરિકોના ખાતામાં પૈસા નાખીને તેઓને આર્થિક સહાયતા પ્રદાન કરી છે. પ્રવાસી શ્રમિકો માટે વન નેશન વન રાશન કાર્ડની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ દેશમાં ગમે ત્યાંથી રાશન મેળવી શકે.
દેશની દીકરીઓની રક્ષા કાજે અનેક નવા કાનૂની પગલાં લેવામાં આવ્યા. દેશના 700થી વધુ જીલ્લાઓમાં વન સ્ટોપ સેંટરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જ્યાં એક જ જગ્યા પર મહિલાઓને મેડિકલ સહાયતા, પોલીસ સુરક્ષા, કાનૂની સહયોગ અને અસ્થાયી સમય માટે આશરો આપવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીએ NHRCના સ્થાપના દિવસને સંબોધિત કરતા કહ્યું હતું કે, આજે આપણા સૌનું સૌભાગ્ય છે કે આજે અમૃત મહોત્સવના માધ્યમથી મહાત્મા ગાંધીના તે મૂલ્યો અને આદર્શોને જીવવાનો સંકલ્પ કરી રહ્યા છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ ભારતના આ નૈતિક સંકલ્પોને વધુ પ્રોત્સાહિત કરી રહ્યું છે તેનો મને આનંદ છે.
એક સમયે દેશનો ગરીબ વર્ગ ખુલ્લામાં જવા માટે મજબૂર હતો એ ગરીબને જ્યારે શૌચાલયની સુવિધા આપવામાં આવે છે ત્યારે તે ગૌરવાન્તિત મહેસૂસ કરે છે. જે ગરીબ ક્યારેય બેંકમાં અંદર જવા માટેની હિંમત પણ નહોતા કરતા એ ગરીબનું જનધન એકાઉન્ટ ખુલે છે ત્યારે તેઓમાં જોશનો સંચાર થાય છે અને તેઓનું ગૌરવ પણ વધે છે.
પીએમ મોદીએ ઉમેર્યુ હતું કે, ભારત આત્મવત સર્વભૂતેષુના મહાન આદર્શો, સંસ્કારો તેમજ વિચારોને સાથે લઇને ચાલનારો દેશ છે. આત્મવત સર્વભૂતેષુ એટલે કે હું છું એ જ રીતે સર્વ મનુષ્ય છે માનવ અને અન્ય જીવ વચ્ચે કોઇ ભેદભાવ નથી અને સર્વ સમાન છે.
ગત કેટલાક દાયકાઓ દરમિયાન વિશ્વ સામે કેટલાક એવા અવસરો આવ્યા છે જ્યારે વિશ્વ ભ્રમિત થયું છે અને ગેરમાર્ગે દોરાયું છે પરંતુ માનવાધિકારો પ્રત્યે ભારત હંમેશા પ્રતિબદ્વ તેમજ સંવેદનશીલ રહ્યું છે.
ભારત માટે માનવાધિકારોની પ્રેરણા, મૂલ્યોનો સૌથી મોટો સ્ત્રોત આઝાદી માટે આપણું આંદોલન, આપણો ઇતિહાસ છે. આપણે સદીઓ સુધી આપણા અધિકારો માટે સંઘર્ષ કર્યો છે. એક રાષ્ટ્રના રૂપમાં, એક સમાજ તરીકે અન્યાય-અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે. આ સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ યુદ્વની હિંસા સામે ઝઝુમી રહ્યું હતું ત્યારે ભારતે સમગ્ર વિશ્વને અધિકાર અને અહિંસાના માર્ગે ચાલવા માટે હાકલ કરી હતી. આપણા બાપુને દેશ ઉપરાંત સમગ્ર વિશ્વ માનવાધિકારો તેમજ માનવીય મૂલ્યોના પ્રતિક તરીકે જુએ છે.