Site icon Revoi.in

ખેડૂતો બાદ હવે દેશભરના ડોકટર્સ મોદી સરકારને ઘેરશે, આવતીકાલે 3 લાખ ડોકટર્સની હડતાળ

Social Share

નવી દિલ્હી: દેશભરમાં આજકાલ જાણે કે આંદોલનની મોસમ જામી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ ખેડૂતો કૃષિ કાયદાને લઇને વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશભરના ડોકટર્સ પણ હવે સરકાર વિરુદ્વ બાંગ પોકારવા જઇ રહ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આવતીકાલે દેશભરના 3 લાખ ડોકટર્સ હડતાળ પર ઉતરવાના છે.

આયુર્વેદિક તબીબને સર્જરીની મંજૂરી આપવામાં આવતા સરકારના નિર્ણયનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આ વિરોધ અંતર્ગત આવતીકાલે મેડિકલ સેવા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.

આવતીકાલે દેશભરના 3 લાખ ડોકટર્સ હડતાળ પર છે જેમાં ગુજરાતના 28 હજાર અને અમદાવાદના 10 હજાર ડોક્ટરો પણ જોડાશે. 11મી ડિસેમ્બરે ઇમરજન્સી અને કોવિડ ડ્યુટી સિવાય તમામ ઓપીડી બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે. 8 ડિસેમ્બરે પણ તબીબોએ મર્યાદિત સંખ્યામાં અલગ-અલગ ડોક્ટર્સના સમૂહ બનાવીને બેનર્સ અને પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો હતો.

આપને જણાવી દઇએ કે સેન્ટર કાઉન્સિલ ફોર ઇન્ડિયન મેડિસિન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેનો વિરોધ ડોકટર્સ કરી રહ્યા છે. આ નોટિફિકેશન અંતર્ગત અનુસ્નાતક કક્ષાના આયુર્વેદિક ડોકટર્સને 58 પ્રકારની સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સર્જરીમાં ડેન્ટલ, ઓર્થોપેડિક, ઇ એન્ડ ટી તેમજ જનરલ સર્જરીનો પણ સમાવેશ થાય છે.

(સંકેત)