Site icon Revoi.in

જમ્મૂ-કાશ્મીરના લોકો માટે આનંદના સમાચાર! દોઢ વર્ષ બાદ 4G ઇન્ટરનેટ સેવા થઇ પૂર્વવત

ડિજિટલ ઈન્ડિયા
Social Share

જમ્મૂ: જમ્મૂ કાશ્મીરના લોકો માટે ખુશખબર છે. જમ્મૂ કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લેતા આશરે દોઢ વર્ષ પછી આખા રાજ્યમાં 4જી ઇન્ટરનેટ સેવાઓ પૂર્વવત કરી છે. પ્રમુખ સચિવ રોહિત કંસલે શુક્રવારે સાંજે આ જાણકારી આપી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના ઓનલાઇન શિક્ષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ 5 ઑગસ્ટ, 2019થી ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. પરંતુ, ગત વર્ષે તારીખ 25 જાન્યુઆરીએ 2G સેવાઓ શરૂ કરવામાં આવી હતી. સામાન્ય જનજીવનને સંપૂર્ણપણે ફરીથી પાટા પર લાવવા માટે હવે 4જી ઇન્ટરનેટ સેવા સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવી છે.

આ પહેલા ગત વર્ષે જમ્મૂ-કાશ્મીરમાં ઓછા સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રાયલ આધારિત 4G સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આખા રાજ્યમાં આ 4G સેવા શરૂ કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, 6 મે, 2020ના રોજ પુલવામા એન્કાઉન્ટરમાં હિઝબુલનો કમાન્ડર રિયાઝ નાઇકૂ ઠાર મરાયા પછી 2જી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, જમ્મૂ કાશ્મીરમાં વારંવાર આતંકીઓ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોવાથી અને ઇન્ટરનેટના માધ્યમથી લોકોમાં રોષ ઉપજાવે અને ધિક્કારની લાગણી ઉપજે એ પ્રકારની સામગ્રી આતંકીઓ ફેરવતા હોય છે તેથી પણ જમ્મૂ કાશ્મીર પ્રશાસને 2019માં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી. જો કે હવે સમયની માંગને જોતા અને વિદ્યાર્થીઓના શિક્ષણમાં કોઇ વિધ્ન ના આવે તે માટે આ ઇન્ટરનેટ સેવાઓ પૂર્વવત કરવામાં આવી છે.

(સંકેત)