- દેશમાં નવા નોંધાયેલા કેસમાંથી મોટા ભાગના કેરળ અને મહારાષ્ટ્રમાંથી નોંધાયા
- ભારતમાં ગુરુવારે વધુ 15,660 કેસ નોંધાયા છે
- જેમાંથી કેરળમાં 5,490 અને મહારાષ્ટ્રમાં 3,579 કેસ નોંધાયા
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે. દેશના કુલ નવા નોંધાયેલા કોરોના કેસમાંથી કેરળ અને મહારાષ્ટ્રમાંથી 60 ટકા જેટલા કેસ નોંધાયા છે. એટલે કે ગુરુવારે 5 કેસમાંથી 3 કેસ આ બે રાજ્યોમાંથી નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં જ કોરોના વાયરસના કેસ વધુ છે.
ભારતમાં ગુરુવારે વધુ 15,660 કેસ નોંધાયા છે. જેમાંથી કેરળમાં 5,490 અને મહારાષ્ટ્રમાં 3,579 કેસ નોંધાયા છે, એટલે આ બે રાજ્યોના નવા નોંધાયેલા કેસનો આંકડો 9,069 થાય છે જેની ટકાવારી 58% છે.
બુધવારે નોંધાયેલા કેસની સરખામણીમાં ગુરુવારે દેશમાં લગભગ 1,400 જેટલા કેસ ઘટ્યા છે. બુધવારે દેશમાં 17,042 કેસ નોંધાયા હતા. ભારતમાં કુલ કેસનો આંકડો 1,05,28,522 પર પહોંચ્યો છે. 24 કલાકમાં દેશમાં વધુ 189 લોકોએ કોરોનાથી દેશમાં જીવ ગુમાવ્યો છે, આ સાથે કુલ આંકડો 1,51,900 થાય છે.
કેરળ અને મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યમાં 4 આંકડામાં કોરોના વાયરસના કેસ નોંધાયા નથી. કેરળ અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરે 680 નવા કેસ પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે, જે પછી તામિલનાડુ (665) અને છત્તીસગઢ (607)નો નંબર આવે છે.
જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 70 લોકોએ એક દિવસમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ પછી કેરળમાં 19, પશ્ચિમ બંગાળમાં 17 અને ઉત્તરપ્રદેશમાં 14 લોકોએ એક દિવસમાં જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 570 કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 737 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
આ તરફ મિઝોરમ એવું રાજ્ય બન્યું છે જ્યાં પાછલા 24 કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી.
(સંકેત)