પ્રજાસત્તાક દિવસે જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને લ્હાણી, DAમાં 3 ટકાનો વધારો કરાયો
- પ્રજાસત્તાક પર્વ પર જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને મોટી ભેટ
- DAમાં કરાયો 3 ટકાનો વધારો
- હિમાચલ પ્રદેશની સરકારે કરી જાહેરાત
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને પ્રજાસત્તાક પર્વ પર જ ખુશખબર મળી છે. સરકારે કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કર્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 31 ટકા મોંઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી.
હિમાચલ પ્રદેશ રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જાહેરાત કરતા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે, તાજેતરમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 2.25 લાખ કર્મચારીઓને રૂ. 6000 કરોડનો લાભ સુનિશ્વિત કરવા માટે નવા પગાર ધોરણો લાગુ કરવામાં આવ્યા છે. કર્મચારીઓને પહેલાથી આપેલા બે વિકલ્પો સહિત ત્રીજો વિકલ્પ પણ પ્રાપ્ત થશે. કર્મચારીઓ માટે 2.25 અને 2.59ના ગુણાંક ઉપરાંત ત્રીજા વિકલ્પની જાહેરાત કરી છે. ત્રીજો વિકલ્પ 15 ટકાનો વધારો હશે.
બીજી તરફ રાજ્ય સરકારના પેન્શનધારકો માટે પણ સારા સમાચાર છે. તેઓને પણ પંજાબ સરકારના નવા પગાર ધોરણ અનુસાર પેન્શન આપવામાં આવશે. આ સાથે 1.75 લાખ પેન્શનધારકોને લગભગ 2000 કરોડ રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કર્મચારીઓને ત્રણ ટકા વધારાનું મોંઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના IAS અધિકારીઓને પણ 31 ટકા ડીએ મળશે.
નોંધનીય છે કે, ડીએમાં વધારા બાદ હવે કર્મચારીઓનો ડીએ 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પેન્શનનો લાભ લેવા માટે વાર્ષિક આવકની મર્યાદા 35000 રૂપિયાથી વધારીને 50000 રૂપિયા કરવામાં આવી છે