- હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં મોટી દુર્ઘટના
- કિન્નોર જીલ્લામાં ભૂસ્ખલનથી 9 ટૂરિસ્ટોના મોત
- ભૂસ્ખલનને કારણે એક પૂલ પણ તૂટી ગયો છે
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. પર્વતની ભેખડ પર્યટકોની કાર પર પડવાને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા છે. આ પ્રવાસીઓ દિલ્હી-NCRના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ભૂસ્ખલનને કારણે એક પૂલ પણ તૂટી ગયો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર કિન્નોર જીલ્લાના બટેસરીના ગુંસાની પાસે આ દુર્ઘટના ઘટી હતી. અહીં સાંગલાની તરફ આવી રહેલા પર્યટકોની કાર ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઇ હતી. હાલ 9 લોકોનાં મોત અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. આ પર્યટકો દિલ્હી અને ચંદીગઢથી હિમાચલ પ્રવાસ અર્થે આવ્યા હતા.
દુર્ઘટનાની જાણકારી મળતા વહીવટી તંત્ર અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય જારી છે. કિન્નોરના એસપી સાજૂ રામ રાણાએ જણાવ્યુ કે, બટસેરી પુલ તૂટી ગયો છે. રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઈ છે.
એવી પણ માહિતી મળી છે કે ટૂરિસ્ટોને સ્થાનિક અધિકારીઓએ દુર્ઘટનાને આશંકાને જોતા જવાની ના પાડી હતી. પરંતુ તેઓ પોલીસની નજરથી બચી નિકળી ગયા હતા.