- ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીની સૈન્યની ગતિવિધિ તેજ બની
- ભારતે પણ જડબાતોડ જવાબ આપવા માટે કેટલાક એરબેઝ સક્રિય કર્યા
- અહીં AN-32 વિમાન દ્વારા સતત નજર રખાઇ રહી છે
નવી દિલ્હી: ગત વર્ષથી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે અને હવે ચીનની સેનાએ ઉત્તરાખંડના બારાહોટી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે તેની સૈન્ય ગતિવિધિમાં વધારો કર્યો છે. તાજેતરમાં, પીપલ્સ લિબરેશન આર્મીની એક પ્લાટુન LAC નજીક સક્રિય જોવા મળી હતી. આ સૈનિકો આસપાસના વિસ્તારોમાં સર્વે કરતા નજરે પડ્યા હતા.
ચીની સૈનિકો જ્યા સુધી અહીંયા હતા ત્યાં સુધી ભારતીય સૈન્ય સતત નજર રાખી રહ્યું હતું. સૂત્રો અનુસાર, ભારતીય પક્ષે, ચીન દ્વારા કોઇપણ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા માટે આ વિસ્તારમાં પૂરતી વ્યવસ્થા કરી દીધી છે. ઉત્તરાખંડના બારાહોટી વિસ્તારની સુરક્ષા પર નજર રાખનારનું માનવું છે કે, ચીની સૈનિકો આ વિસ્તારમાં થોડીઘણી કાર્યવાહી કરવાનો પેતરો કરી શકે છે.
સૂત્રો અનુસાર, થોડાક સમય પહેલા જ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ વાય ડિમરીએ LACની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બારહોટી વિસ્તાર નજીકના એક એરબેઝ પર ચીની સૈન્યની ગતિવિધિ વધી છે અને ત્યાં ચીન દ્વારા ડ્રોન તૈનાતી કરાઇ છે.
ચીનની આ હરકત અને ગતિવિધિઓ સામે ભારત પણ સતર્ક થઇને જડબાતોડ જવાબ આપવા માટે પૂરી રીતે સજ્જ છે. ભારતીય વાયુસેનાએ સરહદ વિસ્તારની સાથે કેટલાક એરબેઝ પણ સક્રિય કર્યા છે, જેમાં ચીન્યાલી સૌંડ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. અહીં AN-32 વિમાન દ્વારા સતત નજર રખાઇ રહી છે. ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પણ નજર રખાઇ રહી છે.