રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘની દયનીય હાલતની સ્ટોરી બાદ તેની મદદ આવ્યું અદાણી ગ્રુપ, ગૌતમ અદાણીએ ખેલાડીને મદદ કરવાનું બિડુ ઉઠાવ્યું
- રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘ હાલમાં છે બેરોજગાર
- અનેક ટુર્નામેન્ટ્સમાં હરમનજીત સિંઘે અનેક મેડલ જીત્યા છે
- જો કે હાલમાં તેઓના પરિવારને બે ટંક ભોજનના પણ ફાંફા છે
- તેઓની આ દયનીય હાલતની સ્ટોરી ટ્વિટર પર એક પત્રકારે પોસ્ટ કરી
- આ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ખેલાડીને મદદ કરવાનું બિડુ ઉઠાવ્યું
સંકેત. મહેતા
ભારતમાં સૌથી લોકપ્રિય રમતોમાં કબડ્ડી પણ સામેલ છે. ભારતમાં તાજેતરના વર્ષોમાં પ્રો કબડ્ડી લીગ લૉન્ચ થયા બાદ ભારતના અનેક ખુણે રહેતા પ્રતિભાશાળી કબડ્ડી ખેલાડીઓની ઓળખ વિશ્વ સમક્ષ થઇ છે અને તેઓને તક મળી છે. કબડ્ડીની મોટા ભાગની ટુર્નામેન્ટ્સમાં વિજેતા તરીકે ભારત અગ્રેસર હોવા છતાં ભારતમાં અનેક ખેલાડીઓની હાલત અને જીવન દયનીય જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા તેઓને શ્રેષ્ઠ આજીવિકા પૂરી પાડવાના વાયદા આપવામાં આવે છે અને તેઓને નોકરી પૂરી પાડવાની ખાતરી પણ અપાય છે તેમ છતાં કેટલાક ખેલાડીઓને હજુ પણ નોકરી મળી નથી અને તેઓને બે ટંક ભોજન માટે પણ ફાફા છે. આવા જ એક કબડ્ડી ખેલાડી છે હરમનજીત સિંઘ.
વિશ્વભરના ખેલાડીઓ જ્યારે એક તરફ ઓલિમ્પિકની તૈયારી કરવામાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ દેશ-વિદેશમાં નામ રોશન કરનારા અને દેશ માટે અનેક મેડલ જીતનારા પંજાબના પ્રતિભાશાળી કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘની હાલત કફોડી બની છે. બે ટંકનું ભોજન પણ તેઓને પ્રાપ્ત નથી થઇ રહ્યું. તેઓ અનેક એવોર્ડ જીત ચૂક્યા હોવા છતાં હાલમાં હરમનજીત સિંઘ બેરોજગાર છે.
ભારતના પ્રતિભાશાળી યુવા કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘ ખૂબજ સામર્થ્ય ધરાવે છે અને અનેક ટુર્નામેન્ટ્સમાં તેની રમતનો પરચો આપી ચૂક્યા છે. હરમજીત સિંઘે વિવો પ્રો કબડ્ડી લીગની સીઝન 7થી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સથી તેણે કબડ્ડી લીગથી કારકિર્દીની શરૂઆત કરી હતી. અનેક ટુર્નામેન્ટ્સમાં હરમનજીત સિંઘે પંજાબનું પ્રતિનિધિત્વ કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ કબડ્ડીમાં હરમનજીત સિંઘે પોતાની ઓળખ બનાવી છે.
એક તરફ જ્યારે ભારત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઇ રહ્યું છે અને ભારત ટોક્યો ઓલિમ્પિકમાં તેઓને અનેક ખેલાડીઓને આ વર્ષે મોકલી રહ્યું છે. આ વખતે તૈયાર થયેલા ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવીને દેશનું નામ રોશન કરશે તેવી આશા લોકો પણ સેવી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે આપણે એ ખેલાડીઓને પણ ના ભૂલવા જોઇએ જેઓ હાલમાં બે ટંક ભોજન માટે પણ લાચારી અને નિરાધાર અનુભવી રહ્યા છે.
કબડ્ડીમાં રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઉભી કરનાર હરમનજીત સિંઘ છેલ્લા અનેક સમયથી બેરોજગાર છે અને બે ટંક ભોજન પણ મળતું નથી જેને કારણે તેઓનું વજન પણ સતત ઘટી રહ્યું છે. એથ્લેટ્સને અનેક વાયદાઓ તો અપાય છે પરંતુ તેઓને ગુજરાન ચલાવવા માટે રોજગારી નથી અપાતી અને સારા જીવન માટે કોઇ સુવિધાઓ નથી અપાતી. હરમનજીત સિંઘને પણ સરકાર દ્વારા રમતની સાથોસાથ નોકરીનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તેઓને કોઇ નોકરી આપવામાં આવી નથી અને તેઓની હાલત અત્યંત દયનીય બની છે.
કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘની આ હાલત પર એક ન્યૂઝ ચેનલે એક સ્ટોરી બનાવી અને એક પત્રકાર દ્વારા આ સ્ટોરીને ટ્વિટર મારફતે વાયરલ કરવામાં આવી હતી અને હરહંમેશ દેશના લાચાર લોકો મદદ કરવા તત્પર રહેતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ટેગ કરીને મદદ માટે અપીલ કરી હતી.
પત્રકારની આ ટ્વિટને તરત જ ધ્યાનમાં લેતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કબડ્ડી ખેલાડી હરમનજીત સિંઘને દરેક જરૂરી સહાયતા પૂરી પાડવાનું બિડુ ઉઠાવ્યું છે. આ અંગે ટ્વિટ કરતા ગૌતમ અદાણીએ લખ્યું કે, “કબડ્ડી એ માટીની સુગંધ, ભારતનો રંગ તેમજ ભારતીયતાની લલકાર છે. પ્રત્યેક ખેલાડીઓને યોગ્ય સુવિધાનો અધિકાર છે. પંજાબના શેરદિલ ખેલાડી હરમનજીતના જુસ્સાને પ્રણામ. અમારી ટીમ આ પ્રતિભાશાળી યુવા ખેલાડીની દરેક સંભવ મદદ કરવાનું પોતાનું સૌભાગ્ય સમજે છે. કબડ્ડી-કબડ્ડીની ગૂંજ અમર રહે.”
થોડાક દિવસ પહેલા એક ન્યૂઝ ચેનલને આપે ઇન્ટરવ્યૂમાં પણ હરમનજીત સિંઘે કહ્યું હતું કે, “તે છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર છે અને જો તેઓને રોજગારી પ્રાપ્ત નહીં થાય તો તે આત્મહત્યા કરી લેશે. હરમનજીતના કોચ હરવંશ સિંહ પણ તેની આ દયનીય હાલત જોઇને ચિંતિત છે.
જો કે, હવે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા ખેલાડીને દરેક સંભવિત સહાય માટેનું બિડુ ઉઠાવાયા બાદ હવે હરમનજીત સિંઘનું જીવન ફરીથી ઉન્નત બનશે અને તેની હાલતમાં સુધારો આવશે અને તે ફરીથી દેશનું નામ રોશન કરશે.
નોંધનીય છે કે, અદાણી ગ્રુપ હરહંમેશ દેશના અનેક લાચાર કે દયનીય હાલતમાં જીવતા લોકોના જીવનને ઉન્નત કરવા માટે અનેક સરાહનીય કામગીરી કરતું રહે છે અને ઓલિમ્પિકમાં પણ અનેક ખેલાડીઓ અદાણી ગ્રુપના ગર્વ હે કેમ્પેઇન હેઠળ તૈયાર થયા છે.