- સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત
- બાળકોની કોરોના વેક્સિનને લઇને કરી આ જાહેરાત
- વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બાળકો માટે આવી શકે વેક્સિન
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓએ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત બાદ સીરમના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરાકરે હંમેશા મદદ કરી છે. સાથે જ બધા જ સહયોગ માટે અમે પીએમ મોદીનો પણ આભાર માનીએ છીએ.
તેમણે વેક્સિન અંગે જણાવ્યુ હતું કે, કોઇ આર્થિક સંકટ નથી. સરકાર પણ મદદ કરી રહી છે અને અમને આશાવાદ છે કે ઑક્ટોબર સુધીમાં વયસ્કો માટે બજારમાં કોવોવેક્સ વેક્સિન લૉન્ચ થઇ જશે. અમે સતત વેક્સિનનું ઉત્પાદન વધારવા તરફ પ્રયત્નશીલ છીએ. અમને આશા છે કે બાળકો માટેની વેક્સિન 2022ના પહેલા ત્રણ મહિનામાં આવી જશે.
નોંધનીય છે કે, લોકસભામાં સરકારે સૂચિત કર્યું છે કે, કોવિશિલ્ડ વેક્સિનનું માસિક ઉત્પાદન ક્ષમતા 11 કરોડ ડોઝથી વધારીને 12 કરોડથી પણ વધુ કરી, કોવેક્સિનની ક્ષમતા દર મહિને અઢી કરોડથી વધારીને લગભગ 5.8 કરોડ ડોઝ કરવામાં આવશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાંચ ઓગસ્ટ સુધી 44.42 કરોડ કોવિશિલ્ડના ડોઝ અપાયા છે જ્યારે ભારત બાયોટેકે 6.82 કરોડ વેક્સિનના ડોઝ આપ્યા છે.