- અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ભારત સરકારે સર્વદળીય બેઠક યોજી
- આ બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ચર્ચા કરાઇ હતી
- ભારત સરકારની મુખ્ય પ્રાથમિકતા લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલા અરાજકતા અને તાલિબાની હુકુમતની સ્થિતિને સંદર્ભે ભારત સરકારે સર્વદળીય બેઠક યોજી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરની આગેવાનીમાં વિદેશ મંત્રાલયની ટીમે તમામ રાજકીય દળોના ફ્લોર લીડર્સને અફઘાનિસ્તાનની સ્થિતિની જાણકારી આપી હતી. સરકારે કહ્યું હતું કે, હાલમાં તેઓ વેઇટ એન્ડ વોચ મોડમાં છે પરંતુ મુખ્ય ધ્યાન લોકોને ત્યાંથી કાઢવા પર છે.
બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ભયાવહ છે. તેવામાં ભારતનું ધ્યાન પોતાના લોકોને જલ્દી બહાર કાઢવા પર છે. તાલિબાને અમેરિકા સાથે દોહામાં જે વચન આપેલું તેને પૂરું નથી કર્યું.
વિદેશ સચિવ હર્ષ શૃંગલાએ પણ આ બેઠકમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ભારત સરકારના હેલ્પ ડેસ્ક પર આશરે 15 હજાર લોકોએ સંપર્ક કર્યો. સમગ્ર વિશ્વ હજુ પણ તાલિબાનને લઈ વેઈટ એન્ડ વોચની પોલિસી અપનાવી રહ્યું છે. ભારત પણ તે મોડ પર જ છે.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાનથી ભારતીયોને બહાર કાઢવા માટેના સરકારના પ્રયાસોની તમામ રાજકીય દળોએ પ્રશંસા કરી હતી.
આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, સંસદીય મંત્રી પ્રહ્લાદ જોશી, પીયૂષ ગોયલ સહિત સરકાર તરફથી અન્ય લોકો પણ સામેલ થયા હતા. જ્યારે વિપક્ષમાંથી શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી જેવા નેતા અને અન્ય રાજકીય દળોના સદસ્યોએ બેઠકમાં ભાગ લીધો હતો.