Site icon Revoi.in

ખેડૂત આંદોલનને લઇને કેનેડાના PMએ સૂર બદલ્યા, હવે ભારત સરકારની કરી પ્રશંસા

Social Share

નવી દિલ્હી: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને સૂર બદલ્યા છે. ટ્રુડોએ હવે નવા કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા બદલ ભારતની પ્રશંસા કરી છે. આ કાયદાને લઇને ખેડૂતો બે મહિનાથી પણ વધારે સમયથી દિલ્હી બોર્ડરની આસપાસ આંદોલન કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે ઘણા રાઉન્ડની વાતચીત કરવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. જો કે રસપ્રદ વાત એ છે કે, અગાઉ ટ્રુડોએ ખેડૂતોના આંદોલનનું સમર્થન કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તમારે ખેડૂત આંદોલનને લઈને બંને પક્ષની વાતો સાંભળશો. વડાપ્રધાન ટ્રુડોએ આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે લોકશાહી ઢબે વાતચીતનો રસ્તો અપનાવ્યો છે તેની પ્રશંસા કરી છે. આ ઉપરાંત તેમણે કેનેડામાં રહેતા ભારતીયોને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પણ સ્વીકારી હતી.

અગાઉ વડાપ્રધાન ટ્રુડોએ ખેડૂત આંદોલન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પરિસ્થિતિ ઘણી ચિંતાજનક છે અને અમે બધા પરિવાર અને મિત્રોની ચિંતા કરી રહ્યા છીએ. કેનેડા હંમેશા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું સમર્થન કરતું આવ્યું છે. નોંધનીય છે કે તેમના નિવેદન બાદ ભારતે વિરોધ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન ટ્રુડોએ તાજેતરમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને કોરોના વાયરસની વેક્સિન આપવાનું કહ્યું હતું. મોદીએ પણ તેમને ખાતરી આપી હતી કે ભારત કેનેડાને વેક્સિન આપશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વેક્સિન પૂરી પાડવાનો નિર્ણય દેશમાં વેક્સિનનું ઉત્પાદન તથા આંતરરાષ્ટ્રીય સ્તરે તેની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

કેનેડાએ ભારત પાસે પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19ની વેક્સિનની માંગણી કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. ભારત સરકાર દ્વારા કોવિશિલ્ડ ઉપરાંત ભારત બાયોટેકની કોવેક્સિનને પણ મંજૂરી આપી છે.

(સંકેત)