Site icon Revoi.in

બાળકો પર કોરોનાની ગંભીર અસરની કોઇ આશંકા નથી: ડૉ. ગુલેરિયા

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ તેમજ વેક્સિનેશનની સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ભારત કે વિશ્વનો ડેટા જુઓ તો અત્યારસુધી કોઇ એવા ડેટો સામે આવ્યા નથી, જેમાં જણાવાયું હોય કે બાળકોમાં વધુ ગંભીર સંક્રમણ છે. બીજા એવા કોઇ પુરાવા પણ નથી મળ્યા કે કોરોનાની આગામી લહેર આવશે તો બાળકો ગંભીર રીતે સંક્રમિત થશે.

વેક્સિનની કિંમત નિર્ધારિત કરવા અંગે નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે પોલે કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો માટે વેક્સિનની કિંમત વેક્સિન નિર્માતાઓ દ્વારા નક્કી થશે. રાજ્ય ખાનગી ક્ષેત્રની કુલ માંગ કરશે, જેનો અર્થ છે કે તે જોશે તેની પાસે સુવિધાઓનું કેટલું નેટવર્ક છે અને તેને કેટલા ડોઝની આવશ્યકતા છે. સરકારે કોવિશિલ્ડના 25 કરોડ ડોઝ અને કોવેક્સિનના 19 કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે.

બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, જ્યાં 7મેએ દેશમાં દૈનિક હિસાબથી 4,14,000 કેસ સામે આવી રહ્યાં હતા, તે હવે 1 લાખથી ઓછા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 86,498 કેસ નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 1 સપ્તાહમાં કેસની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો અને સક્રિય કેસમાં 65 ટકાનો ઘટાડો થયો છે.