- દેશવ્યાપી લોકડાઉનથી થયો એક મોટો ફાયદો
- દેશના મોટા શહેરોમાં હવાની ગુણવત્તા સુધરી
- એન્વાયર્નમેન્ટલ રિસર્ચ નામના જર્નલમાં એક અભ્યાસના તારણોમાં આ જાણવા મળ્યું
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ગત વર્ષે લાગૂ કરાયેલા પ્રથમ દેશવ્યાપી લોકડાઉનને કારણે સૌથી મોટો ફાયદો એ થયો છે કે દેશના મોટા શહેરોમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જમીનનું તાપમાન પણ ઘટ્યું છે. એન્વાયર્નમેન્ટલ રિસર્ચ નામની જર્નલમાં પ્રસિદ્વ થયેલા એક અભ્યાસના તારણોમાં આમ જણાવાયું છે. જો મોટા પાયે પર્યાવરણને અનુકૂળ નીતિનું અમલીકરણ થાય તો પર્યાવરણને ફાયદો થાય છે.
દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક ગતિવિધિઓ ઘટી જવાના લીધી તેમજ જમીન માર્ગે અને હવાઇ માર્ગે પણ પરિવહન સેવા ઠપ કે બંધ હોવાને કારણે તથા વ્યાવસાયિક કામકાજ પણ બંધ રહેવાને કારણે વાતાવરણ વધુ શુદ્વ થયું છે.
સપાટીનું તાપમાન તેમજ વાતાવરણીય પ્રદૂષકો અને ગેસમાં તરતા સૂક્ષ્મ કણોમાં ફેરફારના આકલન માટે સંશોધકોએ યૂરોપિયન સ્પેસ એજન્સીના સેન્ટિનલ-ફાઇવપી અને નાસાના મોડિસ સેન્સર્સ સહિતના અર્થ ઓબ્ઝર્વેશન સેન્સર્સની શ્રેણીનો ડેટાનો વપરાશ કર્યો હતો.
આ રીતે કર્યો અભ્યાસ
એમણે ગત વર્ષના માર્ચથી મે માસ દરમિયાન રહેલા લોકડાઉન સમયના ડેટાને મહામારી પહેલાંના વર્ષો દરમિયાનના ડેટા સાથે સરખાવવા માટે દિલ્હી, મુંબઇ, કોલકત્તા, ચેન્નાઇ, બેંગલોર અને હૈદરાબાદ જેવા છ મુખ્ય શહેરી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
અભ્યાસ પરથી ફલિત થયું કે નાઇટ્રોજન ડાયોકસાઇડમાં ઘણો ઘટાડો થયો. આ ઘટાડો દેશભરમાં સરેરાશ 12 ટકા ઘટાડા જેટલો રહ્યો, જ્યારે ઉપરોક્ત છ શહેરોમાં 31.5 ટકા જેટલો રહ્યો. પાટનગર નવી દિલ્હીમાં એ ઘટાડો 40 ટકા જેટલો હતો.