SCOની બેઠકમાં ભારતના NSA ડોભાલે પાકિસ્તાન પર કર્યા પ્રહારો, આતંકીઓ વિરુદ્વ એક્શન લેવા કહ્યું
- તજાકિસ્તાનમાં SCOની યોજાઇ બેઠક
- ભારતના NSAએ પાકિસ્તાન પર કર્યા પ્રહારો
- તેમણે પાકિસ્તાનને આતંકી સંગઠનોની સામે એક્શન લેવા કરી અપીલ
નવી દિલ્હી: તજાકિસ્તાનમાં SCOની બેઠકમાં ભારતના રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાન પર પ્રહાર કર્યો હતો.
બેઠક દરમિયાન અજીત ડોભાલે આતંકી સંગઠનો પર ગાળિયો કસવા માટે આંતરરાષ્ટ્રીય માપદંડોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે પાકિસ્તાનને આતંકી સંગઠનોની સામે એક્શન લેવા માટે અપીલ કરી છે. તેમણે SCO અને FATF વચ્ચે સમજૂતી પર માંગ કરી છે.
ડોભાલે આતંકના તમામ સ્વરૂપોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સીમા પર આતંકી હુમલાઓને અંજામ આપનારા આતંકવાદીઓને જલ્દીથી જલ્દી સજા મળવી જોઇએ. તેમણે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અને પ્રતિબંધોને આતંકવાદીઓની સામે લાગુ પાડવાનું પણ જણાવ્યું હતું.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે SCO ફ્રેમવર્કના ભાગરૂપે પાકિસ્તાન સ્થિત આતંકી સંસ્થાઓ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ વિરુદ્વ એક્શન પ્લાન ઘડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
તેમણે આતંકવાદને લઇને કહ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા આતંક ફેલાવવા માટે વપરાતી નવી ટેક્નોલોજીને મોનિટર કરવાની આવશ્યકતા છે. આતંકીઓ દ્વારા હાલમાં હથિયારની ઘૂસણખોરી માટે ડ્રોન્સ, ડાર્ક વેબનો દૂરુપયોગ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેઇન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનાથી આતંક ફેલાવવાનો પ્રયાસો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં પસાર થયેલા ઠરાવ અને પ્રતિબંધોને આતંકીઓ સામે લાગુ પાડવાની જરૂરીયાત છે.
મહત્વનું છે કે, FATF બેઠકમાં પાકિસ્તાનને ફરી એક વાર છૂટ મળે તેવી સંભાવના છે. સૂત્રોનુસાર પાકિસ્તાનને ફરી એકવાર 6 મહિના માટે FATFની ગ્રે લિસ્ટમાં રાખી શકાય છે. આ વૈશ્વિક સંસ્થાએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે તેમાં પાકિસ્તાને 27 પોઇન્ટમાંથી અત્યાર સુધી ફક્ત 26ને પૂરા કર્યા છે.