કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં કાલથી ફરી ખૂલશે શાળાઓ, કોવિડની ગાઇડલાઇન્સનું પાલન અનિવાર્ય
- કોરોનાના કહેર વચ્ચે હરિયાણામાં આવતીકાલથી શાળાઓ શરૂ થશે
- આ માટે સ્વાસ્થ્ય વિભાગે શિક્ષા નિર્દેશાલયને ગાઇડલાઇન્સ જાહેર કરી છે
- શૈક્ષણિક કાર્ય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય નિયમોનું પાલન કરવું અનિવાર્ય
હરિયાણા: કોરોનાના કહેર વચ્ચે હવે હરિયાણામાં આવતીકાલથી એટલે કે 11 ડિસેમ્બરથી શાળાઓ ફરી શરૂ થવા જઇ રહી છે. દરેક સરકારી અને ખાનગી શાળાઓ આવતીકાલથી ફરીથી ખુલશે. સ્વાસ્થ્ય વિભાગે આ વિશે શિક્ષા નિર્દેશાલયને ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અન્ય નિયમોનું પાલન કરવું જરૂરી છે. કોઇપણ પ્રકારના લક્ષણ ધરાવતા શિક્ષકો કે વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેશે.
સ્કૂલ શિક્ષા નિર્દેશાલય તરફથી આ બાબતે 30 નવેમ્બરે એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સરકારે કોરોનાની સ્થિતિ જોતા 10 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખી હતી. આ પહેલાં સરકારે 20 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો અને પછી તે 30 નવેમ્બર સુધી લંબાવાયો હતો. નવા આદેશ અનુસાર આવતીકાલથી ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને શાળાઓ ખૂલશે.
નોંધનીય છે કે, રાજ્યમાં અગાઉ 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવામાં આવી હતી. તેમાં ધોરણ 9-12નો સમાવેશ કરાયો હતો. પણ નવેમ્બર મહિનામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો જેના કારણે રાજ્યના વિવિધ જીલ્લામાં સતત શાળાઓમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું. આ બાદ સરકારે 20 નવેમ્બર સુધી શાળાઓ ફરી બંધ કરવાના આદેશ આપ્યા હતા.
(સંકેત)