અંતે કોંગ્રેસમાંથી કેપ્ટન અમરિંદર સિંહનું રાજીનામુ, નવી પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ની કરી ઘોષણા
- પંજાબના રાજકારણમાં ધમાસાણ
- કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું
- પોતાની નવી પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ની જાહેરાત કરી
નવી દિલ્હી: પંજાબના રાજકારણમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. હવે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ કેપ્ટન અમરિંદર સિંહે આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. તેઓએ ‘પંજાબ લોક કોંગ્રેસ’ નામથી પોતાની નવી પાર્ટીની ઘોષણા કરી છે.
ગત મહિને જ કેપ્ટન અમરિંદર સિંહે પોતાના નવા પત્તા ખોલતા કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં નવી પાર્ટીનું એલાન કરશે. એ સાથે તેમણે એવા પણ સંકેત આપ્યા હતા કે, પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની સાથે અલાકીથી અલગ અલગ સમાન વિચારધારા ધરાવતા દળો સાથે પણ ગઠબંધન કરશે. આપને જણાવી દઇએ કે અગાઉ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્વની સાથે મતભેદ બાદ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે.
કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે જણાવ્યું હતું કે, પંજાબના ભાવિ માટે સંઘર્ષ જારી છે. પંજાબ અને તેના લોકો તથા કિસાનો જે એક વર્ષ કરતા વધુ સમયથી અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યાં છે, તેના માટે હું નવી પાર્ટીની ઘોષણા કરીશ. જો કિસાન વિરોધનું કિસાનોના હિતોમાં કોઇ સમાધાન આવે છે તો ભાજપની સાથે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સીટોની સમજૂતીને લઇને આશાવાદી છું.
નોંધનીય છે કે, નવજોત સિંહ સિદ્વુએ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. પંજાબમાં સરકાર બન્યા બાદથી અમરિંદર સિંહ અને સિદ્વુ વચ્ચે મતભેદ અને તણાવ જોવા મળી રહ્યો હતો.