- એક તરફ ખેડૂતો કૃષિ કાયદાઓનો કરી રહ્યા છે વિરોધ
- બીજી તરફ અમેરિકાએ ભારત સરકારના કૃષિ કાયદાઓનું કર્યું સમર્થન
- અમેરિકા શાંતિપૂર્ણ વિરોધને લોકતંત્રની ઓળખ માને છે
નવી દિલ્હી: એક તરફ સરકારના કૃષિ કાયદાઓનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું છે. અમેરિકાએ કહ્યું કે તેઓ આવા પગલાંઓનું સ્વાગત કરે છે જે ભારતીય બજારોમાં નિપુણતામાં સુધાર કરવા તેમજ ખાનગી ક્ષેત્રને વધુ રોકાણને આકર્ષિત કરશે. ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા એવું માને છે કે શાંતિપૂર્ણ વિરોધ કોઇ પણ સંપન્ન લોકતંત્રની ઓળખ છે. મતભેદોને વાતચીતના માધ્યમથી ઉકેલવા જોઇએ.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડિપારન્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા શાંતિપૂર્ણ વિરોધને લોકતંત્રની ઓળખ માને છે. ભારતીય સુપ્રીમ કોર્ટ એ પણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું સમર્થન કર્યું છે. અમે મતભેદોને વાતચીતના માધ્યમથી ઉકેલવાને પ્રોત્સાહિત કરીએ છીએ. પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા આવા પગલાનું સ્વાગત કરે છે જે ભારતના બજારોની સ્થિતિમાં સુધાર કરશે અને ખાનગી ક્ષેત્રમાં વધુ રોકાણ લાવશે.
ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ 26 નવેમ્બર 2020થી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કાયદાઓમાં ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) અધિનિયમ 2020, મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા અધિનિયમ તથા આવશ્યક વસ્તુ (સંશોધન) અધિનિયમ 2020 સામેલ છે.
આ આંદોલનના ભાગ રૂપે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે આયોજિત ખેડૂત ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા ભડકી હતી.
(સંકેત)