- વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે થતી ઘૂસણખોરીને લઇને ભારત હવે મોટું પગલું ભરશે
- ભારત હવે ઘૂસણખોરીને ટ્રેક કરવા માટે પોતાની સર્વેલન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે
- DRDO એ બોર્ડર ઓબ્ઝર્વેશન એન્ડ સર્વિલાન્સ સિસ્ટમ (BOSS) તૈયાર કરી
નવી દિલ્હી: વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે ભારતનો તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે ભારત મોટું પગલું ભરવા જઇ રહ્યું છે. ભારત હવે ઘૂસણખોરીને ટ્રેક કરવા માટે પોતાની સર્વેલન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા જઇ રહ્યું છે. સરહદે ડ્રોન, સેન્સર, ટોહી અને ઇલેક્ટ્રોનિક યુદ્વ ઉપકરણ દ્વારા ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની હરકતો પર 24 કલાક નજર રાખી શકાશે.
લદાખમાં ગત વર્ષે મે મહિનામાં ભારત અને ચીન વચ્ચે હિંસક ઘર્ષણ શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં અનેકવાર બંને દેશોના સૈનિકો વચ્ચે ભીડંત થઇ ચૂકી છે. આ બધા વચ્ચે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લાગ્યું છે. જેને જોતા હવે ભારતે પણ સરહદે નિગરાણી સિસ્ટમ અને ગુપ્તચર તંત્રને ઉચ્ચ કોટિનું બનાવવાનો નિર્ણય લીધો છે.
રક્ષા મંત્રાલયના સૂત્ર અનુસાર વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સાથે 778 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખાની જેમ સતત સૈનિક તૈનાત કરી શકાય તેમ નથી. આથી એલએસી પર ગેપ ફ્રી કવરેજ અને વાસ્તવિક સમયની જાણકારી માટે હાલના નિગરાણી તંત્રને તત્કાળ અપગ્રેડ કરવાની જરૂર છે.
રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે ઊંચાઈવાળા વિસ્તારો પર નજર રાખવા માટે મીની ડ્રોન અને અલ્ટ્રા લોન્ગ રેન્જ સર્વિલાન્સ કેમેરાથી લઈને દૂરથી સંચાલિત થનારા એરક્રાફ્ટ સિસ્ટમથી નિગરાણી ક્ષમતા વધારવાની યોજના છે. આ સાથે જ સેના માટે ઈઝરાયેલ પાસેથી ત્રણથી ચાર ઉપગ્રહ સંચાર-સક્ષમ હેરોન યુએવી ( માનવરહિત હવાઈ વાહન) ને લીઝ પર લેવાની પણ વાત ચાલી રહી છે. આ ઉપરાંત વાયુસેના માટે હેરોપ કમિકેજ એટેક ડ્રોન પણ ખરીદવાના છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ DRDO એ બોર્ડર ઓબ્ઝર્વેશન એન્ડ સર્વિલાન્સ સિસ્ટમ (BOSS) ને લગભગ તૈયાર કરી લીધી છે. જેમાં અનેક સેન્સર સિસ્ટમ લાગેલી છે. આ ઉપરાંત ભારતીય સેનાએ ગત મહિને એક ભારતીય કંપની સાથે 140 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો, જે હેઠળ એડવાન્સ વર્ઝનના સ્વિચ ડ્રોન ખરીદવામાં આવશે.
(સંકેત)