- વાંચો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરનો પ્રેરણાદાયક કિસ્સો
- સંઘના સ્વયંસેવકે અન્ય વ્યક્તિ માટે પોતાના પ્રાણનો કર્યો ત્યાગ
- પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ સંઘની સમાજ પ્રત્યેની ભૂમિકાને દર્શાવી
સંકેત. મહેતા
અમદાવાદ: દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત્ છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, મૃતકાંક વધી રહ્યો છે. ઓક્સિજન અને વેન્ટિલેટરની અછતને કારણે પણ અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ વચ્ચે પણ માનવતા, અનુકંપા તેમજ સહાનુભૂતિના કેટલાક દ્રષ્ટાંતો ખરા અર્થમાં અન્ય લોકોને પ્રેરિત કરે છે. આવો જ એક માનવતાનો કિસ્સો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સંનિષ્ઠ કાર્યકરનો છે.
કોરોનાના સંકટકાળમાં પણ ‘સેવા પરમો ધર્મ‘ સુત્રને અનુસરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અનેક સેવાકાર્યો કરી રહ્યા છે જે સમાજના લોકોને નિ:સ્વાર્થ સેવા કરીને એક મજબૂત રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આવા જ એક પરોપકારી અને સંનિષ્ઠ કાર્યકર નારાયણ દાભાડકરનો કિસ્સો સંઘના સંસ્કાર, જનહિત માટેનું સમર્પણ,ગુણો, વિચારધારાને દર્શાવે છે.
ચાલો વાંચીએ નાગપુરના આ દિવંગત RSSના સ્વયંસેવક વિશે, જેમણે અન્ય એક કોરોના સંક્રમિત દર્દીના જીવનને બચાવવા માટે પોતાના જીવનનો ત્યાગ કર્યો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુરના 85 વર્ષીય સ્વયંસેવક નારાયણ દાભાડકર કેટલાક દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમિત થયા બાદ તેમની પુત્રીએ તેમને દાખલ કરવા માટે અનેક હોસ્પિટલમાં કેટલાક દિવસો સુધી તપાસ કર્યા બાદ અંતે તેમની પુત્રીને ઇન્દિરા ગાંધી હોસ્પિટલમાં એક બેડ મળ્યો હતો. હોસ્પિટલમાં બેડની તપાસ દરમિયાન નારાયણ દાભાડકરજીના શરીરમાં ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઘટી ગયું હતું.
જ્યારે તેમના જમાઇ તેમને એમબ્યુલન્સમાં લઇને હોસ્પિટલ પહોંચ્યા તો દાભાડકરજીના શરીરમાં ઓક્સિજન ખૂબ જ ઘટી ગયું હતું. જ્યારે તેઓ એમબ્યુલન્સમાં તેમના બેડમાં દાખલ થવા માટેની પ્રતિક્ષા કરી રહ્યા હતા ત્યારે તેઓએ એક મહિલાને તેમના કોરોના સંક્રમિત પતિ માટે રડતા રડતા હોસ્પિટલ વહીવટી તંત્રને બેડની આજીજી કરતા જોયા. કોરોના સંક્રમિત પિતાના બાળકો પણ રડી રહ્યા હતા.
આ દૃશ્ય જોઇને દાભાડકરજીએ ત્વરિત નિર્ણય લઇને મેડિકલ સ્ટાફને કહ્યું કે, હું 85 વર્ષનો છું, મે મારું જીવન જીવી લીધું છે તેથી મારે બદલે તમારે એ ભાઇ માટે બેડની વ્યવસ્થા કરવી જોઇએ. તે ભાઇના બાળકોને તેમની જરૂર છે. ત્યારબાદ દાભાડકરજીએ તેમના આ નિર્ણય અંગે તેમના જમાઇ તેમજ પુત્રીને કહ્યું.
થોડી આનાકાની બાદ, તેમની પુત્રી તેમના આ નિર્ણય માટે સહમત થઇ. ત્યારબાદ, દાભાડકરજીએ એક સહમતિ માટેના ફોર્મમાં સાઇન કરીને કહ્યું કે, હું એ બેડ માટે તે કોરોના સંક્રમિત ભાઇને દાખલ કરવા માટે તૈયાર છું. આ બાદ તેઓ ઘરે પરત ફર્યા. આ બાદ માત્ર 3 દિવસની અંદર તેમનું નિધન થયું.
આ રીતે તેમણે અન્ય દર્દીને સ્વસ્થ કરવા માટે પોતાના પ્રાણનો ત્યાગ કરીને સંઘની સમાજ પ્રત્યેની સક્રિય ભૂમિકા, માનવતા તેમજ પરોપકારનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ કાર્યકરનો આ કિસ્સો સમાજના અનેક લોકો માટે ખરા અર્થમાં પ્રેરણાદાયક છે.