આંધ્રપ્રદેશના ગોદાવરીમાં ગમખ્વાર અકસ્માત, બસ કેનાલમાં ખાબકતા 9 મુસાફરોના દર્દનાક મોત, રેસ્ક્યુ કામગીરી ચાલુ
- આંધ્રપ્રદેશના ગોદાવરીમાં ગમખ્વાર અકસ્માત
- ST બસ કેનાલમાં ખાબકતા 9 લોકોના મોત
- મૃતકોમાં 5 મહિલાઓ, ડ્રાઇવર સામેલ
નવી દિલ્હી: આંધપ્રદેશના ગોદાવરી જીલ્લામાં એક ગમખ્વાર બસ અકસ્માત થયો હતો. ગોદાવરીમાં આંધ્રપ્રદેશ એસટી નિગમની એક બસ નહેરમાં ખાબકી હતી. તેને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ બસ આંધ્રપ્રદેશના વેલુરપાડથી 47 મુસાફરો સાથે ઉપડી હતી અને ગોદાવરી જીલ્લાની એક નહેરમાં અચાનક બસ ખાબકતા 5 મહિલાઓ સહિત 9 મુસાફરોના દર્દનાક મોત નિપજ્યા હતા તથા અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ચાલકે કાબૂ ગુમાવતા બસ બેકાબૂ બનીને નહેરમાં ખાબકી હતી. જે સમયે બસ નહેરમાં ખાબકી તે સમયે નહેરમાં ઘણુ પાણી હતું અને કેટલાક લોકો તણાયા હોવાની પણ શક્યતા છે. દુર્ઘટનાની ખબર પડતા જ પોલીસ અને ગામ લોકો મદદે દોડી આવ્યા હતા અને લોકોને પાણીમાંથી બહાર કાઢવાની બચાવ કામગીરી કરી હતી.
પોલીસ અનુસાર બસ જ્યારે વોકળા પરના પુલ પર આવી ત્યારે સામે બાજુથી એક ટ્રક લોરી આવી હતી પરંતુ વોકળા પરનો પુલ ખૂબ જ સાંકડો હોવાથી બસ બેકાબૂ બની હતી અને વોકળામાં ખાબકી હતી. જે સમયે બસ ખાબકી તે સમયે વોકળામાં પાણીનું વહેણ પણ ઝડપી હતું તેથી અનેક લોકો ડૂબ્યા હોવાની પણ આશંકા છે. ડ્રાઇવરે બસને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો પરંતુ તેના દરેક પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા. ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું હતું અને અનેક ઇજાગ્રસ્ત થયા હતા.
જીલ્લા કલેક્ટર અનુસાર સ્થાનિક અને પોલીસે સંયુક્તપણે નવ મૃતદેહોને બહાર કાઢ્યાં છે જેમાં પાંચ મહિલાઓ તેમજ ડ્રાઇવર સામેલ છે. અત્યારસુધીમાં બાળકો સહિત 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.