- ખેડૂતોના આંદોલન વચ્ચે હવે સમાજ સેવક અન્ના હજારે પણ કરશે ઉપવાસ
- અન્ના હજારે વર્ષ 2018થી સરકારને સ્વામીનાથન આયોગની ભલામણ લાગુ કરવા વિનંતી કરી રહ્યા છે
- જો કે હજુ કોઇ નિર્ણય ના લેવાતા તેઓ રાલેગણ સિદ્વિ ખાતે ઉપવાસ પર ઉતરશે
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી ખેડૂતો સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે આ વચ્ચે એવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે કે સમાજસેવક અન્ના હજારે પણ કેન્દ્ર સરકારની વિરુદ્વ 30 જાન્યુઆરીથી આમરણ ઉપવાસ કરવા જઇ રહ્યા છે. અન્ના હજારેનું કહેવું છે કે તેઓ વર્ષ 2018થી સ્વામીનાથન આયોગની ભલામણ લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી રહ્યા છે પરંતુ તેમની કોઇપણ વાતને મહત્વ આપવામાં આવી રહ્યું નથી.
આ બાદ તેઓએ કહ્યું કે તેઓ સરકારના આ વલણથી નારાજ થઇને હવે 30 જાન્યુઆરીથી આમરણ ઉપવાસ પર ઉતરશે. અન્ના હજારેનો આ ઉપવાસ રાલેગણ સિદ્વિના યાદવ બાબા મંદિરમાં યોજાશે.
સૂત્રોનુસાર, અન્ના હજારેને સમજાવવા માટે સરકારે અત્યારથી પ્રયાસો શરૂ કરી દીધા છે. અન્ના હજારેને આમરણ ઉપવાસ પર બેસતા રોકવા માટે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીને અન્ના હજારેને સમજાવવાનું કામ સોંપાયું છે. કૈલાશ ચોધરી આજે સિદ્વિ પહોંચશે અને અન્ના હજારે સાથે વાત કરશે.
નોંધનીય છે કે કૈલાશ ચૌધરી પહેલા મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ હરીભાઉ બાગડે, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, બીજેપી નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ એન અહમદનગરના સાંસદ સુજય વિખે પાટીલ સહિત અનેક અન્ય નેતા પણ અન્ના હજારને સમજાવવા માટે રાલેગણ સિંદ્ધિ આવી ચૂક્યા છે. અન્ના હજારે કોઈ પણ કિંમત પર હવે પાછળ હટવા માટે તૈયાર નથી.
મળતી માહિતી મુજબ, અન્ના હજારેના આમરણ ઉપવાસને ધ્યાને લઈ દેવેન્દ્ર ફડણવીસ અને ગિરિજ મહારાજે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે વાત કરી આ મામલામાં એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અન્ના હજારેને આ ડ્રાફ્ટ બતાવવામાં આવશે. ત્યારબાદ અન્ના હજારે જો તેમાં કોઈ સૂચન હશે તો તેને કૃષિ મંત્રીને મોકલશે. ત્યારબાદ જો સરકાર તેની પર સહમત થાય છે તો કદાચ અન્ના પોતાના ઉપવાસ પરત લઈ શકે છે.
(સંકેત)