- કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને રાહત આપી
- અદાલતે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ વ્યાજમાફી તો આપી ન શકાય
- કોર્ટના આ નિર્ણયથી બેંકોને મોટી રાહત મળી છે
નવી દિલ્હી: કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને મોટી રાહત આપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અદાલતે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ વ્યાજમાફી તો આપી ન શકાય. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેંકોને મોટી રાહત મળી છે જ્યારે બીજી તરફ વ્યાજ માફીની માંગ કરી રહેલા રિયલ એસ્ટેટ જેવા સેક્ટરની કંપનીઓને ઝટકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે તેઓ ખાસ કરીને આર્થિક પોલિસીમાં હસ્તક્ષેપ ના કરી શકે. તે નક્કી ના કરી શકે કે જે તે પોલિસી યોગ્ય છે કે નહીં. કોર્ટ માત્ર એવું જોઇ શકે છે કે કોઇ પોલિસી કાયદાકીય રીતે યોગ્ય છે કે અયોગ્ય. સુપ્રીમ કોર્ટે સરકારના પક્ષને સમજતા કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે માત્ર કંપનીઓને જ નહીં પરંતુ સરકારને પણ નુકસાન થયું છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તે સરકાર તેમજ RBI પર દબાણ ન બનાવી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જે સોંગદનામું આપ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જે તે સેક્ટરમાં થાય તેટલું પેકેજ આપી દીધું છે. વર્તમાનમાં મહામારીની વચ્ચે સંભવ નથી કે આ સેક્ટરને વધારે રાહત આપવામાં આવે.
(સંકેત)